- કાર ચાલક માંડવીથી બારડોલી આવ્યા હતા
- પોંક બજારમાં પોંક લેવા ગયા ત્યારે સર્જાયો અકસ્માત
- સાથી પ્રવાસી પોંક લેવા ગયા હતા
બારડોલી : સુરત જિલ્લાના બારડોલી નજીક ધુલિયા ચોકડી પર પૂરઝડપે આવતી ટ્રક બેકાબૂ બની ડિવાઇડર પર ચઢી ગઇ હતી. જે બાદ યુટર્ન લઈ રહેલી કાર પર પલટી ગઈ હતી. આ કારની સાથે કાર ચાલક પણ ટ્રકની નીચે દબાઇ ગયો હતો. આ અકસ્માતમાં કાર ચાલકનો ચમત્કારિક બચાવ થયો હતો.
યુટર્ન લેતી વખતે સર્જાયો અકસ્માત
માંડવીના વશી ફળિયામાં રહેતા જયંતસિંહ ફતેસિંહ ચૌહાણ પોતાની કારમાં સંબંધી કિશોરભાઈ મહેન્દ્રસિંહ ચૌહાણ સાથે કામ અર્થે બારડોલી આવ્યા હતા. કામ પતાવી તેમને કાર લઈને ધુલિયા ચોકડી નજીક પોંક લેવા માટે ગયા હતા. કાર ઊભી રાખી કિશોરભાઈ પોંક લેવા માટે ગયા હતા અને જયંતસિંહ બારડોલી તરફ યુટર્ન લઈ રહ્યા હતા. તે સમયે સુરત તરફથી પૂરઝડપે આવતી ટ્રકના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવી દેતા ટ્રક ડિવાઇડર પર ચઢી બાજુમાંથી પસાર થતી જયંતસિંહની કાર પર પલટી ગઇ હતી.
કાર ચાલક દબાઈ જતાં ક્રેઇનની મદદથી ટ્રક ઉંચકી રેસ્ક્યૂ
જેને કારણે કારની સાથે જયંતસિંહ પણ ટ્રક નીચે દબાઈ ગયા હતા. આ અકસ્માતની જાણ થતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી. જે બાદ ક્રેઇનની મદદથી ટ્રક ખસેડી કાર ચાલકને બહાર કાઢવામાં આવ્યો હતો. તેને તાત્કાલિક બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
અકસ્માતને કારણે રોડ પર ટ્રાફિક જામ
આ અકસ્માતને કારણે રોડ પર વાહનોની લાંબી કતાર જોવા મળી હતી. બારડોલી વ્યારા રોડ પર ટ્રાફિક જામ થઈ જતાં પોલીસે સ્થળ પર પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પોંક લેવા જતા સાથી પ્રવાસીનો બચાવ
જયંતસિંહ સાથે આવેલા તેમના સંબંધી કિશોરભાઈ કારમાંથી ઉતરીને પોંક લેવા માટે ગયા હતા. આ દરમિયાન જયંતસિંહ કારનો યુટર્ન લઈ રહ્યા હતા. કિશોરભાઈ કારમાંથી ઉતરી જતાં તેમનો પણ બચાવ થયો હતો. કિશોરભાઈએ તેમનો તથા જયંતસિંહનો બચાવ થતા ભગવાનનો આભાર માન્યો હતો.