- પ્રેઝન્ટેશન ઓન અપકમીંગ હાઇ સ્પીડ ટ્રેન પ્રોજેકટ વિષય ઉપર સેમિનારનું આયોજન
- MSME ઉદ્યોગ માટે ઉભી થનારી વ્યવસાયિક તકો વિશે પણ મહત્વની માહિતી આપી
- ભારતના વિકાસ માટે ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ ખૂબ જ જરૂરી
સુરત : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ગત રોજ ‘પ્રેઝન્ટેશન ઓન અપકમીંગ હાઇ સ્પીડ ટ્રેન (બુલેટ ટ્રેન) પ્રોજેકટ’વિષય ઉપર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુંબઇ, અમદાવાદ હાઇસ્પીડ રેલના ટેકનીકલ સર્વિસિસના હેડ નવનીત કૌલ અને ફાયનાન્સ, એકાઉન્ટન્ટ્સ એન્ડ એડમિનિસ્ટ્રેશનના હેડ ડી. વિજયકુમાર દ્વારા બુલેટ ટ્રેન પ્રોજેકટ વિશે પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. તેઓએ ભારતમાં રેલ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ, ભારત અને વિશ્વમાં ટ્રેનોની સ્પીડ, ભારતમાં હાઇ સ્પીડ રેલ વિશેનો આખો ચિતાર રજૂ કર્યો હતો. આ પ્રોજેકટને કારણે દક્ષિણ ગુજરાતના MSME ઉદ્યોગ માટે ઉભી થનારી વ્યવસાયિક તકો વિશે પણ મહત્વની માહિતી આપી હતી.
ટ્રેનની સ્પીડ પ્રતિ કલાકે 320 કિલોમીટરની રહેશે
નવનીત કૌલે જણાવ્યું હતું કે, ભારતના વિકાસ માટે ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ ખૂબ જ જરૂરી છે. મુંબઇ – અમદાવાદ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેન પ્રોજેકટ દેશ માટે ખૂબ જ મહત્વનો પ્રોજેકટ છે. વર્ષ 2009માં આ પ્રોજેકટ વિશે વિચાર કરવામાં આવ્યો હતો અને મે 2014માં આ પ્રોજેકટને મંજૂરી મળી હતી. મુંબઇ અને અમદાવાદ વચ્ચે સાકાર થઇ રહેલા આ પ્રોજેકટમાં સુરત મધ્યસ્થમાં આવે છે. આ ટ્રેનની સ્પીડ પ્રતિ કલાકે 320 કિલોમીટરની રહેશે. આથી આ ટ્રેનમાં સુરતથી અમદાવાદ અને સુરતથી મુંબઇ માત્ર એક જ કલાકમાં પહોંચી શકાશે. ગુજરાતમાં આઠ અને મુંબઇમાં ચાર મળી કુલ બાર સ્ટેશન ખાતે બુલેટ ટ્રેનનું સ્ટોપેજ આપવામાં આવશે. ભવિષ્યમાં દર 15 થી 20 મિનિટે મુંબઇથી અમદાવાદ વચ્ચે એક બુલેટ ટ્રેન દોડાવવાનું આયોજન છે.
- ભારતમાં મંજૂર થયેલી હાઇસ્પીડ રેલ્વે લાઇન્સ (બુલેટ ટ્રેન)
રેલ્વે લાઇન | કિલોમીટર |
મુંબઇ – અમદાવાદ | 508 |
દિલ્હી – કોલકાતા | 1500 |
દિલ્હી – અમૃતસર | 450 |
દિલ્હી – દેહરાદુન | 200 |
હાવડા – હલ્દીયા | 90 |
મુંબઇ – નાગપુર | 883 |
મુંબઇ – હૈદરાબાદ | 747 |
ચેન્નાઇ – હૈદરાબાદ | 664 |
ચેન્નાઇ – તિરૂઅનંતપુરમ | 850 |
બેંગલુરૂ – મૈસુર | 110 |
ભારતમાં બુલેટ ટ્રેન માટે કુલ 6002 કિલોમીટરમાં હાઇસ્પીડ રેલ્વે લાઇન્સ સ્થપાશે
- વિશ્વના અન્ય દેશોમાં સ્થપાયેલી હાઇસ્પીડ રેલ્વે લાઇન્સ (બુલેટ ટ્રેન)
દેશ | કિલોમીટર |
ચાઇના | 36000 |
જાપાન | 3041 |
ટર્કી | 621 |
સાઉથ કોરીયા | 1105 |
ઉઝબેકિસ્તાન | 741 |
સાઉદી અરેબિયા | 443 |
તાઇવાન | 348 |
હોંગકોંગ | 26 |
યુ.એસ.એ. | 735 |
આફ્રિકા– મોરોકકો | 186 |