સુરત: 22 જાન્યુઆરીનો દિવસ રામ ભક્તો માટે મહત્વનો દિવસ છે. આ દિવસ ઉત્સાહભેર અને યાદગાર રીતે ઉજવવા માટે રામ ભક્તો પોતપોતાની રીતે તૈયારીઓ કરી રહ્યા છે, ત્યારે સુરતમાં પણ અનેક જગ્યાએ આમ ભક્તિમય દ્રશ્યો સામે આવી રહ્યા છે. લોકો ઘર અને કાર્યાલય શણગારવા માંગે છે. સુરતના રામભક્ત રવિભાઈએ પોતાની કારને જ રામ મંદિરની થીમ પર સજાવી દીધી છે. અને કાર થકી લોકોને રામ મંદિર બનવા બદલ શુભેચ્છાઓ પણ આપવામાં આવી રહી છે. કારમાં ભગવાન રામ ધનુષ અને બાણ સાથે નજરે આવે છે.
રામ મંદિરની થીમ પર સજાવી કાર: રવિ ખરાડી નામના સુરતમાં રહેતા આ વ્યક્તિ પોતાની કાળા કલરની કારને ભગવા રંગે રંગીને પોતાની કારનો લુક સંપૂર્ણપણે બદલી નાખ્યો છે. રવિએ અયોધ્યા અને રામ મંદિરની તર્જ પર પોતાની કારમાં ફેરફાર કર્યો છે. જો તમે આ કારને ધ્યાનથી જોશો તો દેખાશે કે ભગવા રંગમાં હજારો વખત રામ નામ લખાયેલું છે. ધ્યાનથી જોવા પર કારમાં ભગવાન રામની તસવીર છે અને એટલું જ નહીં, આ ભગવા રંગની કારમાં અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરની ઝલક પણ જોઈ શકાય છે. આ બોનેટ પર અયોધ્યામાં બની રહેલ નવનિર્મિત રામ મંદિર, ધનુષ લઈને ઉભેલા ભગવાન શ્રીરામ અને મોટા અક્ષરે રામ જન્મભૂમિ અયોધ્યા એવું દર્શાવવામાં આવ્યું છે.
કાર લઈને જશે અયોધ્યા: રવિએ જણાવ્યું હતું કે, હું રામનો ભક્ત છું અને જે રીતે અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બની રહ્યું છે, લોકોએ 500 વર્ષ સુધી તપસ્યા કરી છે અને લોકો પોતાના ઘર અને ઓફિસને સજાવવા જઈ રહ્યા છે. ત્યારે મે મારી કારને ભગવાન રામ અને રામ મંદિરની થીમ પર સજાવી છે.જેની ડીઝાઈન તૈયાર કરી ચાર દિવસમાં તેને અલગ લુક આપવામાં આવ્યો છે. હું આ કાર લઈને અયોધ્યા જઈશ. આજે આપણે બધા રામ ભક્તો ખૂબ જ ખુશ છીએ અને પોતપોતાની રીતે પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યા છીએ, તેથી જ મે મારા કામને આ રૂપ આપ્યું છે.