- જલારામ બાપાની શનિવારના રોજ 221મી જન્મજયંતી
- સુરતથી પદયાત્રા સંઘ વિરપુર જલારામ મંદિર ખાતે આવી પહોંચ્યો
- 12 વર્ષથી સુરતના ગભેણી ગામેથી સંઘ આવે છે વીરપુર
રાજકોટઃ જ્યાં ટુકડો ત્યાં હરી ઢુકડોને જીવનમંત્ર બનાવનારા પૂજય જલારામ બાપાની શનિવારના રોજ 221 મી જન્મ જયંતી છે. ગત વર્ષે બાપાના અન્નક્ષેત્રને બસો વર્ષ પૂર્ણ થતાં અન્નક્ષેત્ર દ્વિશતાબ્દી મહોત્સવ રંગેચંગે ઉજવાયો હતો, પરંતુ ચાલુ વર્ષે કોરોના મહામારી હોય પૂજ્ય બાપની જન્મ જયંતી સાદાઈથી ઉજવવામાં આવશે. દર વર્ષે બાપાની જન્મ જયંતી નિમિત્તે બાપામાં અતૂટ શ્રદ્ધા ધરાવતા ભાવિકો દેશ વિદેશથી વાહનો મારફતે તેમજ પગપાળા વિરપુર આવતા હોય છે.
100થી વધુ લોકોનો સંઘ વિરપુર આવી પહોંચ્યો
સુરત જિલ્લાના ગભેણી ગામેથી છેલ્લા 12 વર્ષથી પગપાળા આવતો સંઘ શુક્રવારે વીરપુર આવી પહોંચ્યો હતો. આ સંઘના બીપીન મોદીએ જણાવ્યું હતું કે, તેઓ 100 મહિલા અને પુરુષોનો સંઘ લઈને દિવાળી પહેલા 7 તારીખે નીકળ્યા હતા. તેઓ જ્યારે ત્યાથી નીકળ્યા તે પૂર્વે તમામ સભ્યોનો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો અને સેનેટાઇઝર, માસ્ક સાથે લઈને તેમજ સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું પાલન તેમણે કર્યું હતું. તેઓએ વધુમાં જણાવ્યું કે, બાપામાં અતૂટ શ્રદ્ધા પણ કોરોનાથી પણ સાવચેતી રાખીને દિવાળીની પણ રસ્તામાં ઉજવણી કરીને આજે તેઓ વિરપુર આવી પોહચ્યા છે.
સમગ્ર વિશ્વનું આરોગ્ય સારું રહે તેવી કરી પ્રાર્થના
વિરપુર ગામના પ્રવેશદ્વારે જ આ સંઘ દ્વારા પુજા અર્ચના કરી બાપાના ભજન કરતા કરતા બાપાની સમાધિ સ્થળે તેમજ મંદિરે પહોંચી દર્શન કર્યા હતા. નવું વર્ષ કોરોના મુક્ત બને અને સમગ્ર વિશ્વનું આરોગ્ય સારું રહે તેવી તેઓએ પ્રાર્થના કરી હતી.