સુરત : જહાંગીરપુરા ખાતે આવેલા પુરુષોત્તમ ફાર્મસની કચેરીમાં ઘણા વર્ષોથી ગુજરાત ખેડૂત સમાજનું કાર્યાલય કાર્યરત હતું. જેનું આજે ડિમોલીશન કરવામાં આવ્યું છે. કાર્યાલયની અંદર બુલેટ ટ્રેન સહિત ખેડૂત વિરોધી બાબતો અંગે આંદોલનની રચના ખેડૂત સમાજના આગેવાનો કરતા હતા. એ કાર્યાલયને આજે ગણતરીની મિનિટોમાં ધરાશાયી કરવામાં આવ્યું છે.
ખેડૂત કાર્યાલય : ઉલ્લેખનિય છે કે, પુરુષોત્તમ ફાર્મસના મિલકતમાં એક ભાગ ગુજરાત ખેડૂત સમાજને ઓફીસ માટે 51 વર્ષના ભાડા કરાર હેઠળ આપવામાં આવી હતી. જોકે હાલ જ મળેલી સામાન્ય સભાની બેઠકમાં આ ભાડા કરાર રદ કરી દેવામાં આવ્યો હતો. આ ઉપરાંત ડિમોલીશન હાથ ધરાયું હોવાનું તંત્ર જણાવી રહ્યું છે. જ્યારે ખેડૂત આગેવાનો કહી રહ્યા છે કે, આ દ્વેષ ભાવનાથી કરાયેલું કાર્ય છે. ડિમોલીશન પહેલા વિરોધ કરી રહેલા ખેડૂત આગેવાન જયેશ પટેલની ઓફિસમાંથી ખુરશી સમેત પોલીસે અટકાયત કરી હતી.
આગેવાનોની અટકાયત : આ કાર્યવાહી પહેલા ખેડૂત આગેવાન જયેશ પટેલ અને દર્શન નાયક સહિતના લોકોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. ત્યારબાદ ખેડૂત સમાજની ઓફિસને સીલ પણ કરવામાં આવી હતી. ખેડૂત સમાજના આગેવાનો ડિમોલેશનના વિરોધમાં હતા. જેથી જયેશ પટેલને ઓફિસમાંથી ખુરશી સાથે પોલીસ ઊંચકીને લઈ ગઈ હતી. 51 વર્ષના કરાર પર આ ઓફિસ ગુજરાત ખેડૂત સમાજને આપવામાં આવી હતી. પરંતુ હાલમાં જ પુરુષોત્તમ ફાર્મસની સામાન્ય સભામાં મળેલી બેઠકમાં આ નિર્ણય રદ કરાયો હતો. ખેડૂત સમાજની ઓફિસનો ભાડા કરાર સામાન્ય સભામાં રદ કરાતા ઓફિસ બહાર નોટિસ પણ લગાડવામાં આવી હતી.
પુરુષોત્તમ ફાર્મસના વહીવટકર્તાઓ રાજકીય હસ્તક્ષેપના કારણે અમને લોકોને આ જગ્યામાંથી બહાર કાઢવા પ્રયત્ન કરી રહ્યા છે. અમારો દાવો પેન્ડિંગ હોવા છતાં કાયદાની ઉપરવટ જઈને પોલીસ પ્રોટેક્શનમાં આ મિલકત ખાલી કરાવી રહ્યા છે.-- જયેશ પટેલ (ખેડૂત આગેવાન)
ભાડા કરાર રદ : પુરુષોત્તમ ફાર્મસ તરફથી જણાવવામાં આવ્યું છે કે, હાલમાં જે સામાન્ય સભાની બેઠક મળી હતી. તેમાં સર્વ સંમતિથી નિર્ણય લેવાયો હતો કે, હવે જે મિલકત છે ત્યાં ભાડા કરાર રદ કરવામાં આવે છે. આ સર્વ સંમતિથી લેવાયેલો નિર્ણય છે. ઓફિસ જૂની થઈ ગઈ હતી. આવનાર દિવસોમાં અમે ત્યાં ખેડૂતલક્ષી કાર્ય કરીશું.
ખેડૂત આગેવાનના આક્ષેપ : ખેડૂત આગેવાન જયેશ પટેલે આ અંગે પોતાની વ્યથા જણાવી હતી. તેઓએ કહ્યું હતું કે, દુઃખ સાથે કહેવું પડે કે હાલ વર્તમાન સરકાર કાયદાનો ઉલ્લંઘન કરીને કાર્ય કરે છે તે સ્થાપિત થાય છે. અમે ગુજરાત ખેડૂત સમાજ ફેબ્રુઆરી 2017 થી 51 વર્ષના ભાડા કરાર કરીને પુરુષોત્તમ ફાર્મસની કોટન ઓફિસ તરીકે ઓળખાતી મિલકતમાં ખેડૂત સમાજની પોતાની ઓફિસ ચલાવી રહ્યા છે.
ખેડૂતોની વ્યથા : જયેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, પાલિકા દ્વારા આ બિલ્ડીંગ જર્જરીત છે તેમ કહીને અમને નોટિસ આપવામાં આવી હતી. નોટિસનો જવાબ અને સ્ટેબિલિટી રિપોર્ટ અમે રજૂ કર્યો હતો. તેમ છતાં એને માન્ય ન કરીને તેઓએ ફરી નોટિસ આપતા મેં 27 જૂન 2023 દિવસે સુરતની સિવિલ કોર્ટની અંદર અરજી દાખલ કરી હતી. જેથી આ મિલકત ખાલી કરાવવામાં આવે નહી. આ દાવો કોર્ટમાં ચાલુ હોવા છતાં ફરી પાછી ઓગસ્ટ મહિનામાં અમને નોટિસ આપવામાં આવી હતી. જેનાં વિરોધમાં અમે બીજો દાવો પણ કોર્ટમાં કર્યો છે.