સુરત મહાનગર પાલિકા દ્વારા પાલ ઉમરા બ્રિજની જમીનના કબ્જા મુદ્દે હવે અસરગ્રસ્તોને આખરી તારીખ અપાઈ છે. આખરી તકમાં અસરગ્રસ્તોનો હકારાત્મક અભિગમ ન આવે તો આખરે મ્યુનિસિપલ કોર્પોરેશન સેક્શન 210નો ઉપયોગ કરી રસ્તાને પહોળો કરવા માટે સ્થાયી સમિતિમાં ઠરાવ કરી જાહેરનામું બહાર પાડવાનો નિર્ણય લેવાયો છે.
આ જાહેરનામું બહાર પાડી 30 દિવસનો સમય અસરગ્રસ્તોને અપાશે. પછી પણ સહમત ન થાય તો સેક્શન 210 મુજબ સત્તાનો ઉપયોગ કરીને બ્રિજના એપ્રોચમાં નડતરરૂપ મિલકતોનું ડિમોલિશન કરવામાં આવશે. ડિસેમ્બર સુધીમાં પાલિકાને જમીનનો કબજો મળી જાય તો બાકી બ્રિજનું કામ પૂર્ણ કરવામાં 6 મહિનાનો સમય જઈ શકે છે. આમ આ પ્રકારે જો કામગીરી થઈ તો જુલાઈ 2020 સુધીમાં બ્રિજ ખુલ્લો મુકાય એવી શક્યતા છે. કમિશ્નર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, અસરગ્રસ્તોનું કહેવું હતું કે, અમે પહેલાં સહમત હતા. પરંતુ પાલિકાએ અમને કંઈ આપ્યું નથી.
આ મ્યુનિસિપલ કમિશ્નરની બેઠકમાં અસરગ્રસ્તોને જમીનના બદલામાં જમીન, મકાનના વેલ્યુએશન પ્રમાણે વળતર તથા નવા આયોજન માટે રોડ રસ્તા બનાવવા સહિતના થયેલા ઠરાવ વાંચીને સંભળાવવામાં આવ્યા હતા. 90-95 ટકા બ્રિજનું કામ પૂર્ણ થઈ ગયું છે. જેથી અસરગ્રસ્તોને કહી દેવાયું છે કે, આ ઠરાવ સિવાય વધારે તેમને કશું જ મળશે નહિ. જરૂર પડે તો નામદાર હાઇકોર્ટમાં 20માંથી 7 અસરગ્રસ્તો સહમત થયા છે. 12ને લઈ બ્રિજનું કામ અટક્યું છે. તે અંગે ધારદાર રજૂઆત પણ કરાશે. બુધવારે છેલ્લી મીટિંગમાં પરિણામ નહીં આવે તો સેક્શન 210 મુજબ કામ કરીશું.
બ્રિજના એપ્રોચમાં ઉમરા ગામતળની 20થી વધુ મિલકતોને અસર થાય છે. આ મિલકતો કપાતમાં જાય છે. તેની સામે તેમના મકાનના વેલ્યુએશન પ્રમાણે વળતર આપવાનો ઠરાવ થયો છે. વેલ્યુએશન મુજબ કુલ અઢી કરોડનું વળતર પાલિકા ચુકવશે. આ ખાસ કેસમાં પાલિકાએ જમીનના બદલામાં જમીન તથા મકાનના વળતર આપવાનો ઠરાવ કર્યો છે. ભૂતકાળમાં શહેરનાં વિકાસ કામોમાં હજારો અસરગ્રસ્તોને પાલિકાએ આવાસ જ આપ્યા છે. આ ખાસ કેસમાં સારા લોકેશનમાં મિલકતની નજીકમાં જ જમીન, વળતર આપવાનો પાલિકાનો હકારાત્મક અભિગમ 12 અસરગ્રસ્તો શહેરહિતમાં પોતાના મકાનો છોડવા તૈયાર નથી.
મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું કે, બોમ્બે પ્રોવિઝનલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ 1949 અંતર્ગત સેક્શન 210 મુજબ કોઈ પણ રોડ પહોળો કરવાની સત્તા પાલિકા પાસે છે. આપણે અત્યાર સુધી આ સેક્શનનો ઉપયોગ કર્યો નથી. જો કે, હવે આ સેક્શનનો ઉપયોગ કરવાનો સમય આવી ગયો છે.