- કડોદરા નગરપાલિકાની પ્રથમ સામાન્ય સભા શુક્રવારના રોજ પાલિકાના સભાખંડમાં મળી
- નગરમાં અધ્યતન પુસ્તકાલય બનાવવામાં આવશે
- 32.82 કરોડની આવક સામે 31.18 કરોડનો ખર્ચ થશે
સુરત : કડોદરા નગરપાલિકાની ખાસ સામાન્ય સભા નવનિયુક્ત પ્રમુખ કલ્પેશ ટેલરના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં વર્ષ 2021-22 માટેનું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું. 32.82 કરોડનું બજેટ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું હતું.
રૂપિયા 1 કરોડ 64 લાખ 28 હજાર 161ની અંદાજિત પુરાંત રહેશે
કડોદરા નગરપાલિકાની કુલ 28 બેઠકોમાંથી 27 બેઠકો પર ભાજપની જીત હોવાથી પૂર્ણ બહુમતી સાથે થતા ભાજપે શાસન સંભાળ્યું છે. પ્રમુખ-ઉપપ્રમુખની વરણી બાદ કડોદરા નગરપાલિકાની પ્રથમ ખાસ સામાન્ય સભા શુક્રવારના રોજ પાલિકાના સભાખંડમાં મળી હતી. સભામાં ગત વર્ષની પુરાંત 13 કરોડ 96 લાખ 90 હજાર 561 અને આગામી વર્ષ 2021-22માં થનાર ઉપજ 18 કરોડ 85 લાખ 77 હજાર 650 રૂપિયા મળી કુલ 32 કરોડ 82 લાખ 68 હજાર 211 રૂપિયાની આવક થશે. જેની સામે 31 કરોડ 18 લાખ 40 હજાર 050 રૂપિયાનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે. આથી વર્ષને અંતે રૂપિયા 1 કરોડ 64 લાખ 28 હજાર 161ની અંદાજિત પુરાંત રહેશે.
આ પણ વાંચો : વલસાડમાં જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી
પુસ્તકાલય બનાવવાના ઠરાવને મંજૂરી મળી
ઉપરોક્ત બજેટને તમામ સભ્યોએ મંજૂરી આપતા સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત નગરમાં અત્યાધુનિક પુસ્તકાલય બનાવવા માટે પણ ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. જેને સભ્યોએ મંજૂરી આપી હતી.
આ પણ વાંચો : રાજકોટ જિલ્લા પંચાયતનું 24.25 કરોડ રૂપિયાનું બજેટ મંજૂર
બજેટથી નવા સોપાનો સર થશે
બજેટ અંગે કારોબારી અધ્યક્ષ અંકુર દેસાઇએ જણાવ્યુ હતું કે, શુક્રવારે રજૂ કરવામાં આવેલું બજેટ નગરમાં માર્ગ પરિવહનની સુવિધાઓ, આરોગ્ય સેવાઓ, ગટરલાઇન, સીસી રોડ જેવી અનેક આધારભૂત સુવિધાથી સજ્જ છે. આ બજેટથી કડોદરા નગરના વિકાસમાં નવા સોપાનો સર કરવા સાથે જનજનની અપેક્ષાઓ પૂર્ણ કરનારું બની રહેશે.