બાળકો સાથે સતત વધી રહેલા જાતીય સતામણીના કેસોને ધ્યાનમાં રાખી શિક્ષણ વિભાગ અને સુરત પોલીસ દ્વારા એક ખાસ સેમિનારનું આયોજન સુરતના વરાછા વિસ્તાર ખાતે આવેલા સરદાર સ્મૃતિ ભવન આયોજિત કરવામાં આવ્યું હતું.
જેમાં આશરે શિક્ષક જગતના 700 જેટલા શિક્ષકો હાજર રહ્યા હતા, શિક્ષકો અને બાળકો સાથે થતાં જાતીય સતામણી અંગે પોતે શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સંબોધિત કર્યા હતા. બાળકો સાથે થતાં જાતીય સતામણીના કેસો કેટલાક ગંભીર અને સમાજ માટે પડકારરૂપ છે. જે અંગે સંબોધિત કરતા ભુપેન્દ્ર ચુડાસમાએ જણાવ્યું હતું કે, શિક્ષક-બાળકો સાથે આવા સંબંધ સ્થાપિત કરે કે, તેઓની સાથે થનાર આવી ઘટનાની જાણકારી બાળકો શિક્ષકને આપે. ચુડાસમાએ કહ્યું કે, શિક્ષકને મળનાર આવી જાણકારી બાદ કાયદાકીય પગલા લેવામાં આવે.
ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, સમાજમાં પરિવર્તન લાવવા માટે શિક્ષણ કરતાં પણ સંસ્કારની વધુ જરૂરિયાત છે અને દરેકે શિક્ષકની ફરજ છે કે, બાળકોને શિક્ષણની સાથે સંસ્કાર પણ આપે. મોટાભાગના જાતીય સતામણીના પ્રકરણમાં બાળકોના નજીકના સંબંધીઓ સામેલ હોય છે. આવા પ્રકરણમાં પરિવારના સભ્યો કશું કરતા નથી. જો બાળકો શિક્ષકને પોતાની સાથે થતાં આવા કૃત્યો કહેશે તો ચોક્કસથી કાયદાકીય પગલા ભરવામાં આવશે.