- વેપારીઓમાં અસમંજસની સ્થિતિ સર્જાઈ
- રાત્રિ કરફ્યુ અને સરકારની નવી ગાઈડલાઇનના કારણે પતંગના વેપારીની હાલત કફોડી
- વેપારીઓ દ્વારા માત્ર 50 ટકા જ પતંગ બનાવમાં આવી
સુરત: પતંગના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓની સ્થિતિ કફોડી બની છે. એક સાથે અનેક માર આ વખતે પતંગના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને ઉપર પડયો છે. દર વર્ષે સુરતમાં ગણેશ ઉત્સવના બાદથી જ પતંગ બનાવવાનું શરૂ થઈ જતું હોય છે. પરંતુ આ વખતે લોકડાઉનના કારણે પતંગ બનાવવાનું કાર્ય શરૂ થઈ શક્યું નથી અને ઉત્સવના પહેલા જે રીતે સરકાર દ્વારા નવી ગાઇડલાઇન આવતી હોય છે તેને લઈને પણ વેપારીઓમાં અસમંજસની સ્થિતિ સર્જાઈ છે કે આ વખતે ઉત્તરાયણને લઈ સરકાર શું ગાઈડલાઈન આપશે.
આ વર્ષે માત્ર 50 ટકા જ પતંગનો ઓર્ડર કારીગરોને બનાવવા માટે આપ્યા
સુરતના દબગરવાડના વેપારીઓએ દર વર્ષની સરખામણીમાં આ વર્ષે માત્ર 50 ટકા જ પતંગનો ઓર્ડર કારીગરોને બનાવવા માટે આપ્યા છે. સુરતના નરેશભાઈ છત્રીવાળા છેલ્લા પચાસ વર્ષથી પતંગના વ્યવસાય સાથે સંકળાયેલા છે. પરંતુ આ વખતે તેઓને આશા નથી કે દર વર્ષની સરખામણીમાં આ વર્ષે વેચાણમાં કોઈ ખાસ ઉત્સાહ જોવા મળશે. તેઓએ આશા રાખી છે કે આ વખતે જો માત્ર 50 ટકા પણનો વ્યવસાય થઈ જાય તો તેમને રાહત મળી રહેશે.
રાત્રિ કરફ્યુ અને કોરોના ટેસ્ટના નીયમોને લઇ વેપારીઓ હેરાન
જ્યારે અન્ય હોલસેલ પતંગના વેપારી સુરેશ છત્રીવાળાએ જણાવ્યું હતું કે લોકડાઉનના સમયે પતંગ કારીગરો દ્વારા બનાવી શકાય તેવી સ્થિતિ ન હોતી. પરંતુ હવે માત્ર લિમિટેડ સંખ્યામાં પતંગ બનાવવામાં આવી રહ્યા છે. તેઓએ જણાવ્યું હતું કે તેઓ હાલ મહારાષ્ટ્ર નાના વેપારીઓને પણ અહીંથી પતંગ મોકલે છે. પરંતુ રાત્રિ કરફ્યુ અને કોરોના ટેસ્ટના નીયમોને લઇ વેપારીઓ હાલ આવી રહ્યા નથી અને જો આવે છે તો તેઓએ ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જેથી સરકાર નિયમોમાં છુટછાટ આપે તેવી અપીલ પણ કરાઈ છે.
આસામથી આવનાર કામળી મોંઘી
આઠ મહિના અગાઉથી જ પતંગ બનાવવાનું કામ શરૂઆતમાં શરૂ થઈ જતું હોય છે. જેમાં મોટી સંખ્યામાં મહિલા કારીગરો જોડાતી હોય છે પરંતુ આ વખતે ઓર્ડર વધારે નહીં મળતાં કારીગરોની સ્થિતિ કફોડી બની છે . ત્યારે બીજી બાજુ પતંગમાં જે કામળી લગાડવામાં આવતી હોય છે તે ખાસ આસમ થી કલકત્તા અને કલકત્તાથી સુરત આવે છે. આ ખાસ પ્રકારના બામ્બુ થી આ તૈયાર થતી હોય છે. પરંતુ આ વખતે આસામમાં ભારે વરસાદના કારણે આ બામ્બુની કિંમતમાં 30 ટકાનો વધારો થયો છે. જેથી અનેક લોકોને 30 ટકા પતંગના ભાવમાં વધારો કરવાનો વિચાર આવ્યો છે અથવા તો કેટલાક એવા પણ છે કે પતંગનું વેચાણ થઈ જાય એ માટે પતંગના ભાવમાં વધારો કરવા ઈચ્છી રહ્યા નથી.