સુરત: કોરોના મહામારીએ પુરા વિશ્વને ભરડામાં લીધું છે. ખાસ કરીને સુરત શહેર અને જિલ્લામાં નાના મોટા વેપાર કરતા, નોકરિયાત વર્ગ અને ખાસ કરીને રત્ન કલાકારોની હાલત કફોડી બની છે. આ મોંઘવારીમાં સુરત શહેરમાં રહેતા રત્નકલાકારો સુરતના મકાનોનું મોંઘુ ભાડું તેમજ પોતાની જીવન જરૂરિયાતની વસ્તુઓ ખરીદવાના પણ તેમને મુશ્કેલી પડી રહી હતી. લોકડાઉન દરમિયાન કેટલાક સારા મકાન માલિકોએ ભાડુઆતના ભાડા માફ કર્યા કેટલાંક મકાન માલિકોએ ભાડું વસુલ્યું અને જે ભાડું નહી આપે તેમની પાસે મકાન પણ ખાલી કરાવ્યા. જેને લીધે લાખો લોકોએ પોતાના વતન તરફ પ્રયાણ કર્યું હતું. કેટલાક સાયકલ પર તો કેટલાક લોકો ચાલતા પણ પોતાના વતન તરફ જવા નીકળી પડ્યા હતા.
હાલમાં અનલોક તો થયું પરંતુ કેટલાક કારખાનાઓ અને હીરા ઉદ્યોગો હજી ચાલુ થયા નથી. જેને કારણે રત્નકલાકારો અને અન્ય નોકરિયાત લોકો બેરોજગાર થયા છે. તેઓને પોતાનો ઘરખર્ચ કાઢવામાં પણ મુશ્કેલી પડી રહી હતી. એવા રત્ન કલાકારો ઘરનું ભાડું ક્યાંથી ભરે. સુરત શહેરમાં ફ્લેટનું ભાડું પણ 4000 રૂપિયાથી 5000 રૂપિયા હોય છે, ઉપરથી મેન્ટેનન્સના પૈસા અલગ હોય છે. ત્યારે આ રત્નકલાકરો પોતાના વતન તરફ જવા નીકળ્યા હતા. આવા લોકોની કફોડી હાલત જોઈ બિલ્ડર પ્રકાશભાઈ અને તેમના સહયોગીઓએ સોશિયલ મીડિયા પર મેસેજ ફરતો કર્યો હતો કે, જે લોકો ભાડું નહી ભરી શકવાના કારણે પોતાના વતન તરફ જઈ રહ્યા છે. તેઓ પોતાના વતન જાય નહી તેમને અહીં ઓલપાડના ઉમરા ગામે રુદ્રાક્ષ પેલેસમાં માત્ર મેન્ટેનન્સના 1500 રૂપિયા આપી જ્યાં સુધી વેપાર અને નોકરી ચાલુ નહી થાય ત્યાં સુધી અહિયાં રહી શકશે. ત્યારે અહિયાં 45 પરિવારો રહેવા આવી ગયા છે. તેમની પાસે મેન્ટેનન્સના માત્ર 1500 રૂપિયા વસુલવામાં આવે છે, તે પણ પાણી, ,વાઈફાઈ, સીસીટીવી કેમરા, સિક્યુરીટી વોચમેન, સાફ-સફાઈ જેવી સુવિધાઓ માટે આપવા પડે છે. તદ્દપરાંત કોઈ પાસે એટલા પૈસા ભરવાની ક્ષમતા પણ ન હોય તો તેઓ પાસે કોઈ જ પૈસા લેવામાં આવતા નથી.
કોરોના અને મંદીના આ માહોલમાં બેરોજગાર થયેલા પરિવારો માટે આ બિલ્ડરો ભગવાનના દૂત બની તેમની પાસે આવ્યા છે. જો અન્ય બિલ્ડરો પણ આ બિલ્ડરો પાસે પ્રેરણા લઇ આવા પરિવારોને આશરો આપે તો કોઈ પરિવારને ઘર વગર પોતાના વતન જવાનો વારો નહી આવે.