બારડોલી: કાન ફળિયા નજીક આશાપુરા મંદિર પાસે ખુલ્લી જગ્યામાંથી માથા અને હાથ વગરના નવજાત શિશુનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. પોલીસે આ રીતે નવજાત શિશુના મૃતદેહનો નિકાલ કરનાર વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
માથું અને હાથ ગાયબ: આશાપુરા મંદિર પાસે આવેલ ખુલ્લી જગ્યામાં એક તાજું જન્મેલું બાળક મરણ હાલતમાં મળ્યું હોવાની જાણ થતાં લોકોની ભીડ એકત્રિત થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ બારડોલી ટાઉન પોલીસ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે નવજાત શિશુનો મૃતદેહ ઉઘાડી હાલતમાં હતો તેમજ તેનું માથું અને બંને હાથ ગાયબ હતા.
પ્રાણીઓએ મૃતદેહ કરડી ખાધો: પોલીસે જણાવ્યુ હતું કે, કોઈ પ્રાણીએ શરીર કરડી ખાધેલ છે તેમજ શરીર પર પ્રાણીએ બચકાં પણ ભર્યા હોવાનુ જણાઈ આવ્યું છે. બાળકના પેટ પર નાળ પણ ન હતી. પોલીસે મૃતદેહનો કબ્જો લઈ તેને બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં મૂકવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આ મામલે સ્થાનિક અજયભાઈ ભરતભાઇ રાઠોડની ફરિયાદના આધારે અજાણી વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
કોઈ વ્યક્તિ દ્વારા ઈરાદાપૂર્વક બાળકને મૃત હાલતમાં ત્યજી દીધું હોવાનું અનુમાન છે. બાળકના મૃતદેહને કોઈ પ્રાણીએ કરડી ખાધું હોવાથી તેનું માથું અને હાથ ગાયબ છે. હાલ મૃતદેહને સરદાર સ્મારક હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં મૂકવામાં આવ્યું છે. - કાર્તિક સેલર, ASI, તપાસ અધિકારી
અઠવાડિયામાં બીજી ઘટના: ઉલ્લેખનીય છે કે, ગત 30મી સપ્ટેબરના રોજ પણ બારડોલી ગ્રામ્ય પોલીસ મથક વિસ્તારના ઉવા ગામની સીમમાંથી પસાર થતાં નેશનલ હાઇવે નંબર 53ના ડિવાઇડર પરથી નવજાત શિશુનો મૃતદેહ મળી આવ્યો હતો.