સુરત: રખડતા શ્વાનનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે આજે ફરી એક વખત રખડતા શ્વાને બે વર્ષના બાળક ઉપર હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. શહેરના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલ સંતોષ નગરમાં રહેતા બે વર્ષીય શિવાન્સ જે આજરોજ પોતાના ઘરની બહાર પોતાના અન્ય બાળ મિત્રો જોડે રમી રહ્યો હતો. ત્યારે જ અચાનક શ્વાન તેની ઉપર હુમલો કરી દેતા શિવાન્સ ખુબ જ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. તેના માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી. તથા એક આંખ પર પણ ઇજા થઇ હતી. અને બીજી આંખ બચી ગઈ હતી. જો વધુ ઇજા થઇ હોત તો આંખ પણ ગુમાવવાનો વારો આવતો હાલ સારવાર માટે તાત્કાલિક સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો છે.
"આજે બપોરે શિવાન્સની માતા ઘરમાં હતી. ત્યારે તે અને તેનો મોટો ભાઈ બહાર અન્ય બાળ મિત્રો જોડે રમી રહ્યો હતો. ત્યારે જ એક શ્વાને બાળ મિત્રોના ટોળા ઉપર હુમલો કર્યો હતો. શિવાન્સના માથા ઉપરના ભાગે લોહી નીકળતા મેં તાત્કાલિક સારવાર માટે અહીં સિવિલ હોસ્પિટલ લઈને આવ્યો છું."-- (શિવાન્સના પિતા વિજય)
લોકોમાં ભયનો માહોલ: વધુમાં જણાવ્યું કે, અહીં સારવાર આપવામાં આવી છે. અને તેના માથે કુલ સાત ટકા પણ આવ્યા છે અને આખો બચી ગઈ છે. હાલ રજા પણ આપી દેવામાં આવી છે. અમારે ત્યાં હાલ થોડા દિવસોથી રખડતા શ્વાનનો ખૂબ જ આતંક જોવાઈ રહ્યો છે. જેને કારણે નાના બાળકો ઘરની બહાર રમી શકતા નથી. અમે આ બાબતે કોર્પોરેશનમાં જાણ કરી હતી. ત્યારે ડોગ પકડવાની ટીમ આવી હતી. પરંતુ ત્યારે બે થી ત્રણ જ ડોગ પકડાયા હતા. બાકીના ડોગ ભાગી ગયા હતા. તેઓ ફરી સોસાયટીમાં આવી ગયા છે.