સુરત: માંગરોળ તાલુકાની તરસાડી નગરમાં સાત વોર્ડમાં આવેલા છે. તરસાડી નગરના લાઈટ, પાણી વગેરેના વીજ કનેકશનોના ઘણા લાંબા સમયથી 60 લાખ જેટલા વીજ બિલના નાણાં બાકી પડતા હતા. જેને લઇને વીજ કંપની દ્વારા તરસાડી નગરના 50 ટકાથી વધુ વિસ્તારને પાણી પુરવઠો પહોંચાડતી તરસાડી ગામ પાણીની ટાંકી અને ચિસ્તી નગરના બે વીજ કનેકશનો કાપી નાંખ્યા હતા.
5000થી વધુ ઘરોને અસર: આ વીજ કનેકશન કપાવવાને કારણે નગરમાં 5000થી વધુ ઘરોને અસર પહોંચી હતી. કરોડો રૂપિયાના વિકાસનો બણગો ફૂંકતી તરસાડી નગરપાલિકાનું અધધ કહી શકાય એવું 60 લાખથી વધુનું બિલ બાકી પડતું હતું. જેને લઇને વીજ કંપની દ્વારા કાર્યવાહી કરવામાં આવતા નગર જનો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા.
'વીજ કંપની દ્વારા અમારા પાણી પુરવઠાના બે કનેકશનો કાપવામાં આવ્યા હતા. તેઓને જે ઇલેક્ટ્રિક ચાર્જ હતો તે ભરવાનો બાકી હોવાથી વીજ કંપની દ્વારા બે કનેકશનો કાપ્યા હતા. નગર પાલિકાની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવાથી 60 લાખ રૂપિયાનું બિલ બાકી રહી ગયું હતું.' -પ્રણવ ચૌધરી, ચીફ ઓફિસર, તરસાડી નગર પાલિકા
વહીવટ ઉપર પણ ઘણા સવાલો: બાકી રહેલ લાખોના વીજ બીલને લઈને વીજ કંપનીએ કરેલ કાર્યવાહીને પગલે સત્તાધીશોના વહીવટ ઉપર પણ ઘણા સવાલો ઊભા થયા હતા. હજુ 15 દિવસ પહેલા જ તરસાડી નગર પાલિકાનો ચાર્જ સંભાળનાર સત્તાધીશો તાત્કાલિક પોતાની આબરૂ બચાવવા માટે વીજ વિભાગ સાથે સંપર્ક કરી થોડા દિવસોમાં બિલ ભરપાઈ કરી આપવાની ખાતરી અને ફરી વીજ બિલ ભરવામાં આ પ્રકારની ઢીલાશ નહિ રહે તેવી પણ બાહેધરી આપતા વીજ વિભાગે ફરી કનેક્શનનો જોડી દેતા પાલિકાના સત્તાધીશો તેમજ નગરના રહીશોએ રાહતનો શ્વાસ લીધો હતો.