સુરત: સૂર્યપુત્રી તાપી નદીનો જન્મદિવસ સુરત શહેરમાં દર વર્ષે ખૂબ જ આસ્થાથી ઉજવવામાં આવે છે. દર વર્ષે અલગ અલગ તાપી નદીના ઓવારા ઉપર જન્મદિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવે છે. તાપી નદીને ખૂબ જ પવિત્ર નદી માનવામાં આવે છે. માતા તાપી સૂર્યપુત્રી હોવાને કારણે શાસ્ત્રોમાં જોવા મળે છે કે, જે પણ વ્યક્તિ ભગવાન સૂર્યનારાયણની તપસ્યા તાપી નદીના કિનારે કરે તેને જરૂર ફળ મળે છે. આજે સુરતીઓએ રંગેચંગે તાપીનો જન્મદિવસ મનાવ્યો હતો.
ચૂંદડી અર્પણ કરવામાં આવી: શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિ સૂર્યભગવાનની પૂજા અર્ચના કિનારે કરે છે તેઓને જરૂર તેનો ફળ મળે છે. તાપીનું નામ લેવાથી જ પાપનો નાશ થાય છે. તેવી જ રીતે આજે શહેરના કુરુશેત્ર સ્મશાન ખાતે તાપી નદીમાં ભક્તો દ્વારા મહાઆરતી કરી 1100 મીટર લાંબી ચૂંદડી અર્પણ કરવામાં આવી છે. તો હવે સાંજે પણ ભવ્ય મહાઆરતી કરવામાં આવશે. તેની સાથે જ ભજનનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા: આજના દિવસે સુરત શહેરના અલગ અલગ ઓવારા ઉપર પણ તાપી નદીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવે છે. ખાસ કરીને નાવડી ઓવારે તેમજ શ્રી કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ ટ્રસ્ટ દ્વારા પણ છેલ્લા કેટલાક સમયથી આયોજન કરવામાં આવી રહ્યું છે. સવારે અને સંધ્યા સમયે મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવે છે. તાપી માતાને 1100 મીટરની ચુૂંદડી અર્પણ કરવાના કાર્યક્રમમાં રાજ્ય કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશ અને સાધુ-સંતો હાજર રહ્યાં હતાં.
મધ્યપ્રદેશ સહિત 3 રાજ્યમાં તાપી વહે છે: તાપી માતા સુરત શહેરને કરોડો વર્ષોથી પોતાનું પાણી આપી રહી છે. તેમનું ઉદ્દગમ સ્થાન મધ્યપ્રદેશથી થઇ મહારાષ્ટ્ર અને ત્યાંથી સુરત અને અહીંથી અરબસાગરમાં સમાઈ જાય છે. એમ તાપી નદીની લંબાઈ 724 કિલોમીટર છે. સુરત એ સૂર્યપુત્રી તાપી કિનારે વસેલું શહેર છે. તેથી સુરતને પ્રાચીનકાળમાં સૂર્યપુર તરીકે ઓળખવામાં આવતો હતો. પરંતુ સમય જતા આ શહેરનું નામ સુરત રાખવામાં આવ્યું હતું.
જન્મદિવસ રંગે ચંગે ઉજવણી: તાપી કિનારે આવેલના રામનાથ ઘેલાનાથ મંદિર જ્યાં શ્રી રામ ભગવાન આવ્યા હતા. તેમણે ભગવાન શંકરની તપસ્યા કરી હતી. તેવી જ રીતે ઘણા સંતો મહેનતો તાપી કિનારે તપસ્યાઓ કરી ધન્યતાઓ મેળવી છે. તાપી નદીનો જન્મ અષાઢ સુદ સાતમના દિવસે થયો હતો.અને આખા વિશ્વમાં એકમાત્ર તાપી નદી જ એવી છે જેનો જન્મદિવસ ઉજવવામાં આવે છે. જેથી દરવર્ષે સુરતી લાલાઓ તાપી માતાનો જન્મદિવસ રંગે ચંગે ઉજવે છે.