સુરત : શહેરમાં ભટાર વિસ્તારમાં 34 વર્ષીય યુવક 10 ફૂટ જેટલા ગટરમાં પડી જતા અફરાતફરી મચી ગઈ હતી. યુવક ગટરમાં પડી જતા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચીને રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. યુવાન બ્લડ ડોનેશન માટે આવ્યો હતો. ત્યાં તે જ સ્થળે બાઈક પરથી કોઈક રીતે ગટરમાં પડી ગયો હતો.
આ પણ વાંચો : Surat News અલથાણમાં ગટર કામદારનું મોત, ગટરની સફાઇ કરવા સમયે બની હતી ઘટના
યુવકનું રેસ્ક્યુ કરવામાં આવ્યું : સુરતમાં 34 વર્ષીય યુવક 10 ફૂટ જેટલા ગટરમાં પડી જતા ફાયર વિભાગ દ્વારા તેમનું રેસ્ક્યુ કરવાની ઘટના સામે આવી છે. શહેરના ભટાર વિસ્તારમાં આવેલ કાપડિયા હેલ્થ ક્લબની સામે અશોકા પિવેલિયનના ગ્રાઉન્ડ ફ્લોર પર બ્લડ ડોનેશનનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો, ત્યારે આ કાર્યક્રમમાં બ્લડ ડોનેટ કરવા આવેલા 34 વર્ષીય રૂશાંત વ્યાસ જેઓ અચાનક જ ત્યાં જ 10 ફૂટ જેટલા ગટરમાં નીચે પડી ગયા હતા. આ જોતા જ સ્થાનિકો દોડી આવ્યા હતા. તેમને બહાર કાઢવા માટે પ્રયત્ન કર્યા હતા, પરંતુ બહાર લાવી શક્યા ન હતા. જેથી અંતે ફાયર વિભાગને જાણ કરતા મજુરા ફાયર વિભાગ ત્યાં પહોંચીને યુવકને સહી સલામત બહાર લાવી સારવાર માટે ખાનગી હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : Sanitation workers Death : રાજકોટમાં ભૂગર્ભ ગટરમાં સફાઈ કરવા ઉતરેલ મજૂર અને કોન્ટ્રાક્ટરનું મોત
પગમાં મોચ આવી : આ બાબતે મજુરા ફાયર વિભાગના ઓફિસર દવેએ જણાવ્યું કે, આ ઘટના બપોરે 12 વાગ્યે બની હતી. અમને કંટ્રોલમાંથી જાણ કરવામાં આવી હતી કે, ભટાર વિસ્તારમાં આવેલા કાપડીયા હેલ્થ ક્લબની સામે અશોકા પિવેલિયનના ગ્રાઉન્ડ ફ્લોર પર એક 34 વર્ષીય યુવક ગટરમાં પડી ગયો છે. જેથી તે સ્થળ નજીક હોવાને કારણે અમે પાંચ મિનિટની અંદર જ ત્યાં પહોંચી ગયા હતા. અમારા ફાયરને ઓક્સિજનનો બાટલો પહેરાવી ગટરમાં સીડી નાખવામાં આવી હતી. યુવક નીચે પડી ગયો હતો તેમને પગમાં મોચ આવી હોય તેવું માલુમ પડી રહ્યું હતું. કારણ કે, તેઓનું પગ હલી શકતું ન હતું. તેથી તેમને સલામત રીતે બહાર લાવી સારવાર માટે હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો હતો. આ યુવકનું નામ રૂશાંત વ્યાસ છે જેઓ 34 વર્ષના છે. તેઓ અડાજણ વિસ્તારમાં આવેલ જલારામ સોસાયટીમાં રહે છે. અહીં તેઓ બ્લડ ડોનેશન કેમ્પમાં જોડાવા માટે આવ્યા હતા.