સુરતઃ આવતીકાલે (14 ફેબ્રુઆરી) એટલે વેલેન્ટાઈન ડે. આ દિવસે પ્રેમીઓ એકબીજાને ભેટ આપતા હોય છે. ત્યારે સુરતમાં પ્રેમીઓમાં અનેરો જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સામાન્ય રીતે આ દિવસે બજારમાં વિદેશી ગુલાબના ફૂલો જોવા મળે છે. આકર્ષક અને મોંઘા બૂકે પોતાના પ્રિયજનને આપવા લોકો અગાઉથી જ ઓર્ડર આપી દેતા હોય છે, પરંતુ આ વખતે વેલેન્ટાઇન ડેના દિવસે રીયલ નહીં, પરંતુ ગોલ્ડ પ્લેટેડ રોઝના બૂકે કપલ એકબીજાને આપી રહ્યા છે.
યુવતીએ પતિ માટે બનાવડાવ્યું સોનાનું દિલઃ લગ્ન બાદ પ્રથમ વેલેન્ટાઈન ડે આવતા સુરતની યુવતી પરિધીએ પતિ દીપ માટે 108 ગોલ્ડ પ્લેટેડ રોઝનું એક ખાસ હાર્ટ શેપનું બુકે બનાવડાવ્યું છે, જેને જોઈ પતિ દીપ પણ ખૂબ જ ખુશખુશાલ થઈ ગયા હતા. કારણ કે, આવા દિવસે તો પતિ કે પ્રેમી ઉપહાર આપતા હોય છે, પરંતુ આ દિવસ માટે પત્નીએ જે રીતે એક ખાસ સરપ્રાઈઝ પતિને આપવાનું નક્કી કર્યું છે તે જોઈ લોકો બુકે જોતા રહી જશે.
108 આંકડો યુનિટી ઑફ હોલસમને દર્શાવે છેઃ પતિ માટે ગોલ્ડ પ્લેટેડ રોઝનું બૂકે આપનાર પરિધિબેને જણાવ્યું હતું કે, તે જવેલર્સ શૉપમાં ડાયમંડ રીંગ ખરીદવા આવ્યાં હતાં. ત્યારે ગોલ્ડન રોઝ જોયું. એ સમયે મને વિચાર આવ્યો કે, હું લગ્ન પછીના પ્રથમ વેલેન્ટાઈન ડે પર મારા પતિને આ ગોલ્ડન રોઝનું બૂકે ઉપહારમાં આપીશ. આ ખૂબ જ ખાસ છે. કારણ કે, આમાં 108 ગોલ્ડ પ્લેટ રોઝ છે. 108 આંકડો યુનિટી ઑફ હોલસમને દર્શાવે છે. પતિપત્નીમાં પ્રેમ વધે અને આવી જ રીતે અમે હંમેશા એક રહીએ. આ માટે આ સરપ્રાઈઝ પ્લાન કર્યું હતું. અમે રિયલ ગુલાબનું ફૂલ આપી શકીએ, પરંતુ તે કરમાઈ જાય છે. આથી આ ગોલ્ડન રોઝનું બુકે એ માટે બનાવ્યું છે કે તે હંમેશા તેમની પાસે રહે.
અમારૂ રિલેશન પણ આવી જ રીતે ફોરેવર રહેશેઃ પતિ દીપે જણાવ્યું હતું કે, આ બૂકે થકી મારી પત્ની મને સંદેશ આપવા માગે છે કે, જે સાચું ગુલાબનું ફૂલ હોય છે. તે તો થોડાક દિવસો બાદ કરમાઈ જાય છે, પરંતુ આ ગોલ્ડન રોઝની જેમ અમારું રિલેશન પણ આવી જ રીતે ફોરેવર રહેશે.
આ પણ વાંચો Valentine Day 2023 : લવ બર્ડના અનોખા પ્રેમી આશુતોષના અવિરત પક્ષીપ્રેમની સુંદર વાત
એક ગોલ્ડ પ્લેટ રોઝની કિંમત 1700ઃ વેલેન્ટાઈન ડેના ઉપલક્ષ પર આ ખાસ કોન્સેપ્ટ સાથે હાર્ટ શેપમાં રિયલ ગોલ્ડ પ્લેટેડ રોઝ બુકે ડિઝાઇન કરનારાં જ્વેલર્સ શીતલ ચોક્સીએ જણાવ્યું હતું કે, અમારે ત્યાં ન્યૂલી વેડેડ યુવતી આવી હતી અને તેણે જણાવ્યું હતું કે, તે પોતાના પતિને કંઈક યુનિક ગિફ્ટ કરવા માગે છે. તેણે જણાવ્યું હતું કે, તે ગોલ્ડ પ્લેટ રોઝમાં બુકે આપવામાં માંગે છે. આથી અમે હાર્ટ શેપમાં બુકે તૈયાર કરીને આપ્યું છે. તેમની ઈચ્છા હતી કે, આ બૂકેમાં 108 ગોલ્ડ પ્લેટેડ ગુલાબનું ફૂલ મૂકવામાં આવે અને તે જ પ્રમાણે અમે આ બૂકે તૈયાર કર્યું છે. એક ગોલ્ડ પ્લેટ રોઝની કિંમત 1,700 રૂપિયા હોય છે અને આ બુકે લાખો રૂપિયામાં તૈયાર થાય છે.