સુરત શહેર સહિત જિલ્લામાં ચર્ચમાં નાતાલના પર્વને લઇને ખાસ પ્રકારના ફુલો તેમજ રંગબેરંગી રોશનીઓ અને ડેકોરેશનથી શણગારવામાં આવ્યા હતા. વિવિધ ચર્ચમાં ખ્રિસ્તી ભાઇ-બહેનો દ્વારા ક્રીપ-ગભાણના દર્શનનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. પ્રભુ ઇસુના બાળસ્વરૂપ સહિતના આકર્ષણો સાથે ખાસ પ્રકારે કેટલાક ચર્ચને સજાવવામાં આવ્યા હતા. તેમજ ચર્ચ અને ખ્રિસ્તી સમુદાયના લોકો દ્વારા પોતાના ઘરે અવનવા શણગાર પણ કરવામાં આવ્યા હતા.
જેમાં ભગવાન ઈસુના જન્મકાળની પ્રતિકૃતિ પણ બનાવવામાં આવી હતી. શાંતિના દૂત એવા ભગવાન ઈસુના જન્મની પ્રતિકૃતિ સમાન ચર્ચમાં ઝુંપડી તૈયાર કરવામાં આવી હતી. જેના થકી ઈસુના જન્મકાળને ચર્ચમાં પ્રતિકૃતિ દ્વારા દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
નાતાલ પર્વને લઈ ક્રિશ્ચિયન સમુદાય દ્વારા ઉત્સાહભેર રીતે ઉજવણી કરવામા આવી હતી. ખ્રિસ્તી સમુદાયના લોકોએ એકબીજાને નાતાલ પર્વની શુભેચ્છા આપી શાંતિનો સંદેશો પાઠવ્યો હતો. ચર્ચમાં સભાની સાથે પ્રભુની સ્તુતિ અને ગાન કરવામાં આવ્યા હતા. સુરત શહેરમાં ખ્રિસ્તી સમુદાયનાં લોકો દ્વારા હર્ષોલ્લાસ પૂર્વકની ઉજવણી કરવામાં આવી હતી.