સુરત : લોકોના ઘર-ઓફીસમાંથી કીમતી સમાન તેમજ રોકડ રૂપિયા ચોરી થવાની ઘટના અવાર નવાર બનતી હોય છે. પરંતુ હાલમાં શાકભાજીની ચોરીની ઘટનાઓ પણ સામે આવી રહી છે. ઉલ્લેખનિય છે કે, હાલમાં શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે. તાજેતરમાં જ સુરતમાં બટાકાની ચોરીની ઘટના બની હતી. ત્યારે હવે લસણ ચોરી થયાની ઘટના સામે આવી છે. લીંબાયત વિસ્તારમાંથી 91,960 રૂપિયાની કિમતના 836 કી.ગ્રા. લસણની ચોરી થઇ છે. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી.
લાખોની લસણ ગાયબ : પોલીસમાંથી મળતી સત્તાવાર માહિતી અનુસાર સુરતના લીંબાયત વિસ્તારમાં આ ચોરીની ઘટના બની હતી. લિંબાયત સ્થિત શિવદર્શન સોસાયટીમાં રહેતા સુમનબેન પવાર શાકભાજીનો વેપાર કરે છે. ગત 24 તારીખના રોજ તેઓના ઘર પાસે મુકેલા લસણની 22 ગુણોની ચોરી થઇ હતી. કુલ 91,960 રૂપિયાની કિમતના 836 કિલોગ્રામ લસણની ચોરી થતા તેઓ ચોકી ઉઠ્યા હતા.
ઘટના CCTV કેમેરામાં કેદ : આ ઘટના બાદ તેઓએ લીંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. તેઓએ ઘર પાસે લગાવેલા CCTV કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા. તેમાં રાત્રીના સમયે એક રીક્ષા અને ટેમ્પોમાં આવેલા ચાર જેટલા ઈસમો લસણની ગુણોની ચોરી કરતા નજરે ચડ્યા હતા. લીંબાયત પોલીસે સુમનબેનની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.
અમને ફરીયાદ મળી છે કે, ટેમ્પોમાં આવેલા ચાર જેટલા ઈસમો લસણની ગુણોની ચોરી કરી નાસી ગયા છે. ચોરીની ઘટના CCTV કેમેરાના ફૂટેજમાં જોઈ શકાય છે. રાત્રીના સમયે રીક્ષા અને ટેમ્પામાં આવીને 4 જેટલા ઈસમો લસણની ગુણો ચોરી કરીને ફરાર થઇ જાય છે. આ ઘટનાને લઈને પોલીસ મથકમાં ફરીયાદ દાખલ કરવામાં આવી છે અને તપાસ ચાલું છે. -- એસ.બી. પઢેરીયા (PI, લિંબાયત પોલીસ મથક)
શાકભાજી ચોર : મહત્વનું છે કે, હાલમાં શાકભાજીના ભાવ આસમાને પહોચ્યા છે. સુરતમાં અગાઉ બટેટા અને ટમેટાની ચોરી થવાની ઘટનાઓ પણ સામે આવી ચુકી છે. ત્યાં હવે સુરતમાં લસણ ચોરી થવાની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી છે. સુરતમાં તસ્કરો હવે લોકોના ઘર-ઓફીસમાંથી કીમતી સમાન અને રોકડ રકમ બાદ શાકભાજીની પણ ચોરી કરી રહ્યા છે.