સુરતઃ શહેરમાં ગુનાઓ વધી રહ્યા છે. ત્યારે પોલીસ વધુ સતર્ક બની ગઈ છે. આવામાં શહેરની ઉમરા પોલીસે પીપલોદ વિસ્તારમાંથી દારૂ ભરેલી કાર ઝડપી પાડી હતી. પોલીસે કારમાંથી 7.65 લાખનો દારૂ અને કાર મળી કુલ 10 લાખથી વધુનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો. આ કેસમાં કૉંગ્રેસનાં પૂર્વ મહિલા નેતા મેઘના પટેલની સંડોવણી બહાર આવી હતી, જેથી પોલીસે મેઘના પટેલની પણ ધરપકડ કરી હતી. સાથે જ પોલીસે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચોઃ Vadodara Crime News : વડોદરા જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચે વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપ્યો
પીપલોદમાંથી દારૂ ઝડપાયોઃ મળતી માહિતી અનુસાર, ઉમરા પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન માહિતી મળી હતી કે, પીપલોદ વિસ્તારમાં કારમાં દારૂની હેરાફેરી થઈ રહી છે. માહિતીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. તે વખતે પીપલોદ વિસ્તારમાંથી દારૂ ભરેલી કાર ઝડપી પાડી હતી. પોલીસે કારમાં તપાસ કરતા તેમાંથી અંદાજિત 7.65 રૂપિયાનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આ ઘટનામાં પોલીસે લલિતભાઈ નામના ઈસમની ધરપકડ કરી હતી. તેમ જ આ કેસમાં પ્રદેશ કૉંગ્રેસના પૂર્વ મહિલા મોરચાનાં ઉપપ્રમુખ મેઘના પટેલની સંડોવણી બહાર આવતા પોલીસે તેને પણ ધરપકડ કરી હતી.
ગુનાહિત ઈતિહાસ અંગે પૂછપરછ થશેઃ ડીસીપી સાગર બાઘમારે જણાવ્યું હતું કે, ઉમરા પોલીસ મથકમાં આ મામલે ગુનો નોંધવામાં આવ્યો છે. ઉમરા પોલીસે પીપલોદ વિસ્તારમાંથી દારૂ ભરેલી કાર ઝડપી પાડી હતી. આશરે સાડા સાત લાખ જેટલો દારૂ અને કાર મળી કુલ 10લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જોકે, આ કેસમાં કુલ 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જેમાંથી એક મેઘના પટેલ નામની મહિલા છે. જ્યારે બીજા વ્યક્તિનું નામ લલિતભાઈ જગદીશભાઈ છે. આરોપી મહિલા મેઘના પટેલ કૉંગ્રેસ પક્ષ સાથે જોડાયેલી હોવાનું બહાર આવ્યું છે. તેના ગુનાહિત ઈતિહાસ વિશે પણ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચોઃ Rajkot Crime : રાજકોટ સિવિલ હોસ્પિટલમાંથી 3 પેટી વિદેશી દારૂ ઝડપાયો
કૉંગ્રેસમાંથી સસ્પેન્ડ કરાઈઃ બીજી તરફ કૉંગ્રેસના પ્રવક્તા અનુપ રાજપૂતે આ અંગે નિવેદન આપ્યું હતું કે, આત્મહત્યાના કેસમાં 4 વર્ષ પહેલા જ્યારે મેઘના પટેલ આરોપી બની હતી. ત્યારે જ પક્ષે તેને સસ્પેન્ડ કરી દીધી હતી. એટલે અત્યારે તે પક્ષમાં કોઈ પદ પર નથી.