સુરત: હાલ દરેક ક્ષેત્રમાં મહિલાઓ આગળ છે પરંતુ પરંપરા મુજબ દરેક જગ્યાએ રોજે મંદિરમાં અર્ચના કરતા પુરુષો જ જોવા મળતા હોય છે. વર્ષોથી ચાલતી આવતી પરંપરા પુરુષ પ્રધાન છે તેમ છતાં સુરત શહેરના કતારગામ વિસ્તાર ખાતે આવેલા મહાદેવના મંદિરમાં અલગ જ નજારો જોવા મળે છે. અહીં કોઈ પુરુષ પંડિત કે મહારાજ દ્વારા નહીં પરંતુ પેઢીઓથી મહિલાઓ જ પૂજા અર્ચના કરતી આવી છે. સુરત શહેરમાં આમ તો અનેક મંદિરો છે પરંતુ સુરત શહેરના કતારગામ દરવાજા ખાતે આવેલા શ્રી સોમનાથ મહાદેવ અને શ્રી કામનાથ મહાદેવ મંદિરમાં ગોસ્વામી પરિવારની મહિલાઓ હાલ પૂજા અર્ચના કરાવી રહી છે.
મંદિરમાં સ્વયંભૂ શિવલિંગ: મહાદેવના મંદિરમાં મહિલા પંડિતો આશરે 10 થી પણ વધુ પેઢીઓથી મહાદેવની પૂજા કરી રહી છે. 63 વર્ષીય રક્ષાબેન ગોસ્વામી મંદિર મેનેજમેન્ટ સમાડી રહ્યા છે જ્યારે તેમની વહુ પૂનમ ગોસ્વામી મહાદેવની સેવામાં આજ તલ્લીન રહે છે. આ મહાદેવ મંદિર ની વાત કરવામાં આવે તો સોમનાથ મહાદેવ અને કામનાથ મહાદેવ મંદિરમાં સ્વયંભૂ શિવલિંગ છે.
800 વર્ષ જૂનું મંદિર: 800 વર્ષ જુના મહાદેવ મંદિરમાં લોકો દરરોજ મોટી સંખ્યામાં પૂજા અર્ચના કરવા માટે આવતા હોય છે. અહીં ભક્તો પણ કોઈ પ્રકારના ભેદભાવ વગર મહિલા પંડિતો દ્વારા કરવામાં આવતા પૂજાપાઠને ભક્તિ ભાવપૂર્ણ સ્વીકાર કરે છે. અત્રે ઉલ્લેખનીય છે કે મહિલા પંડિત રક્ષા શૈલેષગીરી ગોસ્વામીના પતિ અને તેમના પુત્ર હાર્ટ અટેકથી મૃત્યુ પામ્યા હતા. આજે આ મંદિરમાં તેઓ અને તેમની પુત્રવધુ પૂજા કરાવે છે.
વારસામાં મળી પરંપરા: મંદિરના મહિલા પંડિત રક્ષાબેને જણાવ્યું હતું કે, 'મંદિર 800 વર્ષ જેટલો જૂનો ઇતિહાસ ધરાવે છે હું પોતે અહીં આશરે 42 વર્ષથી પણ વધુ સમયથી મંદિરની અંદર પૂજા વિધિ કરતી આવી છું. મંદિરની સેવા મને સાસુના પિયર પક્ષથી વારસામાં મળી છે. અગાઉ અહીં કોઈ વસ્તી નહોતી પહેલા અહીં ખેતીવાડી હતી. અહીં માત્ર એક જ મંદિર હતો. અગાઉ મારી સાસુ આ મંદિરમાં પૂજા અર્ચના કરતી હતી.'
માત્ર મહિલાઓને પૂજા કરવાનો અધિકાર: મંદિરના મહિલા પંડિત રક્ષાબેન જણાવે છે કે, 'અમે પૂજા અર્ચના કરીએ છીએ તો લોકો અમને સન્માન આપે છે. અહીંની પ્રથા છે કે માત્ર મહિલાઓ જ પૂજા કરે છે. મહાદેવની પૂજા કરવા પર માત્ર પુરુષોનો જ અધિકાર છે એવું નથી. આ જમાનામાં દરેક ક્ષેત્રે સ્ત્રીઓ આગળ છે. મહિલાઓ તમામ ક્ષેત્રે આગળ વધી શકે તો શું મહાદેવની પૂજા નહીં કરી શકે? મહાદેવ સાથે પાર્વતી તો છે જ. દરેક પુરુષને સ્ત્રી જ જન્મ આપે છે.'
ભક્તોની પ્રતિક્રિયા: મંદિરના ભક્ત ભાનુબેન પરમારએ જણાવ્યું હતું કે તેઓ છેલ્લા દસ વર્ષથી મંદિરે આવે છે. અહીં એક મહિલા પૂજા અર્ચના કરે છે અને અમને સારી રીતે તેનું મહત્વ સમજાવે છે. તેઓ સારી રીતે દર્શન કરાવે છે અને અમને પૂજા અર્ચના પણ કરાવે છે.
આ પણ વાંચો Sudamapuri temple: અક્ષયતૃતીયા દિવસે સુદામપુરીના ચરણસ્પર્શ કરવાનો અનોખો મહિમા