સુરતઃ ગુજરાતના દરેક શહેરોમાં તહેવારના દિવસોમાં પોતાના વતન જવા માટે પરપ્રાંતિયોનો ભારે ધસારો જોવા મળે છે. સુરતમાં પણ ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ઝારખંડ અને છત્તીસગઢ જેવા રાજ્યોના લોકો રોજગાર અર્થે વસે છે. શહેરમાં રહેતા આ પરપ્રાંતિયોઓએ પણ પોતાના વતન ઉત્તર ભારત તરફ જવા પ્રયાણ કર્યુ છે. જો કે સુરતના પરપ્રાંતિયો માટે પોતાના વતનની વાટ બહુ વસમી થઈ રહી છે. 1700ની કેપેસિટી ધરાવતી ટ્રેનમાં 5000થી વધુ પેસેન્જર્સ હકડેઠઠ મુસાફરી કરી રહ્યા છે.
સુરત રેલવે સ્ટેશને મુસાફરોનો જમાવડોઃ દિવાળી અને છઠ પૂજા જેવા તહેવારોમાં સુરતમાં રહેતા હજારો ઉત્તર ભારતીયો પોતાના વતન જઈ રહ્યા છે. સુરત રેલવે સ્ટેશને છપરા જતી તાપી ગંગા એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરવા માટે મોટી સંખ્યામાં પરપ્રાંતિયો સુરત રેલવે સ્ટેશન જમા થઈ રહ્યા છે. રેલવે સ્ટેશન પર જાણે કિડિયારુ ઉભરાયું હોય તેવી સ્થિતિ થઈ છે. જનરલ કોચમાં બેસવા માટે પેસેન્જર્સ 24થી 48 કલાક લાઈનમાં ઊભા રહ્યા હતા. જો કે આ લાંબા સમયના ઈંતજાર બાદ પણ બેસવાની જગ્યા મળી નહોતી. કેટલાક પેસેન્જર્સને બારીમાં તો કેટલાકને શૌચાલયમાં બેસવાની ફરજ પડી છે.
ટિકિટ હોવા છતા ટ્રેનમાં જઈ ન શક્યાઃ કેટલાક મુસાફરો તો એવા પણ છે કે જેમની પાસે ટિકિટ હોવા છતા ટ્રેનમાં જગ્યાના અભાવે મુસાફરી કરી ન શક્યા. ટિકિટ લઈને ઊભેલા મુસાફરો ટ્રેનમાં હકડેઠઠ ભીડને પરિણામે ટ્રેનમાં ચડી જ ન શક્યા. 1700ની કેપેસિટી ધરાવતી ટ્રેનમાં 5000થી વધુ પેસેન્જર્સ સવાર હોવાથી ટિકિટ લઈને 24થી 48 કલાક લાઈનમાં ઊભેલા પેસેન્જર્સ ટ્રેનમાં ચડી શક્યા ન હતા.
કુલીઓએ મજબૂરીનો ફાયદો ઉઠાવ્યોઃ રેલવે સ્ટેશન પર મજબૂર પેસેન્જર્સની મજબૂરીનો ફાયદો કુલીઓને થયો છે. કુલીઓ પૈસા લઈને પેસેન્જર્સને રેલવે કોચની ઈમરજન્સી વિન્ડોમાંથી કોચની અંદર ધકેલતા જોવા મળી રહ્યા હતા. કુલીઓ પેસેન્જર્સ પાસેથી મોંમાંગ્યા પૈસા પડાવીને આ કામ કરી રહ્યા જોવા મળ્યા હતા. આ બાબતે અનેક પેસેન્જર્સે રેલવે તંત્ર વિરુદ્ધ ફરિયાદના સૂર પણ ઉચ્ચાર્યા હતા.
હું ગઈકાલથી રેલવે કોચમાં જગ્યા મળે તે માટે લાઈનમાં ઊભો છું, પણ અહીં કેટલાક માણસો પૈસા લઈને મુસાફરોને ટ્રેનની અંદર ઘુસાડી દે છે. આ ઉપરાંત ટિકિટની કાળાબજારી પણ થઈ રહી છે...દશરથ(પેસેન્જર, સુરત)
સાંજે 4 કલાકથી અમે રેલવે સ્ટેશન પર કોચમાં જગ્યા મળે તેની લાઈનમાં નાના બાળકો સાથે ઊભા છીએ. અમારે દિવાળી વેકેશનમાં વતન પ્રતાપગઢ જવું છે. ભીડ એટલી છે કે અમને રેલવે કોચમાં ચડવા જ ન મળ્યું. આટલા કલાક લાઈનમાં ઊભા રહેવાનું પાણીમાં ગયું...નીલુ(પેસેન્જર, સુરત)
છઠપૂજા માટે હું વતન જઈ રહ્યો છું, કોચમાં જગ્યા ન હોવાથી હું શૌચાલયમાં બેઠો છું. મારે વતન જવું જરુરી હોવાથી આ મજબૂરી વેઠવી પડે છે...ભુપેન્દ્ર યાદવ(પેસેન્જર, સુરત)