સુરતઃ કામરેજ તાલુકાના ભાદા ગામના વસાવા પરિવારમાં પતિ રણજીત વસાવાના અન્ય મહિલા સાથે લગ્ન બાહ્ય સંબંધો મુદ્દે પત્ની હંસાબેને પાંચ દિવસ પહેલા આત્મહત્યા કરી લીધી હતી. પાંચ દિવસ બાદ પતિએ પણ નિરાશામાં પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. તેમના ફૂલ સમાન નિર્દોષ 4 વર્ષિય બાળક આ ઘટનાને પરિણામે અનાથ બની ગયો છે. સમગ્ર બનાવની જાણ કામરેજ પોલીસ સ્ટેશનમાં કરાઈ છે. કામરેજ પોલીસે ઘટના સ્થળની તપાસ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સમગ્ર ઘટનાક્રમઃ રણજિતભાઈ વસાવાને ખોલવડ ગામની મહિલા સાથે લગ્ન બાહ્ય સંબંધો હતા. આ સંબંધોને લીધે પતિ પત્ની વચ્ચે હંમેશા કંકાસ થતો હતો. આ કંકાસથી કંટાળીને હંસાબેને પાંચ દિવસ પહેલા આત્મહત્યા કરી લીધી હતી. હંસાબેનની આત્મહત્યાને પગલે પિયરીયાવાળા તેમના પતિ રણજીતભાઈ વિરુદ્ધ પોલીસ કાર્યવાહી કરવાની તજવીજમાં હતા. માતાના મૃત્યુ બાદ તેમનો પુત્ર માહિર સતત રડ રડ કરતો હતો. હંસાબેનના અપમૃત્યુ, સાસરિયા તરફથી પોલીસ કાર્યવાહીનું દબાણ અને પુત્રના સતત રડવાથી રણજીત વસાવા શૂન્યમન્સક થઈ ગયા હતા. અત્યંત ગમગીન એવા રણજીત વસાવાએ પત્નીની આત્મહત્યાના પાંચમાં દિવસે નબળી ક્ષણે સાડીથી ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. આ સમગ્ર ઘટનામાં 4 વર્ષિય માસુમ અને નિર્દોષ એવા માહિરે માતા-પિતાની છત્ર છાયા ગુમાવી છે.
બનાવને પગલે અમારી ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. મળેલી ફરિયાદ મુજબ હાલ આગળની તજવીજ હાથ ધરવામાં આવી છે...મનોજ ભાઈ(ASI, કામરેજ પોલીસ સ્ટેશન)