સુરત : શહેરના વરાછા વિસ્તારમાં ઢોર પાર્ટીની ટીમ પર SRPની ટીમ સામે જ અનેક લોકો દ્વારા હુમલો કરાયો હતો. રખડતા ઢોર પકડવા માટે ગયેલી ટીમના કર્મચારીઓ ઉપર લાકડાના ફટકા વડે હુમલો કરાયો હતો. જેમાં એક કર્મચારી ઈજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે હુમલો કરનાર લોકો સામે સુરત સરથાણા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
શું છે સમગ્ર મામલો : સુરત શહેરમાં અવારનવાર રખડતા ઢોરોને કારણે અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે. જેમાં કેટલાય લોકોના મૃત્યુ પણ નીપજ્યા છે. ત્યારે મહત્વની વાત છે કે આ અકસ્માતની ઘટના અટકાવવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા સૌ પ્રથમ તો અલગ અલગ ઝોનમાં ઢોર પાર્ટીઓની ટીમ બનાવવામાં આવી હતી. તમામ રખડતા ઢોરોને ટેગિંગ કરી દેવામાં આવ્યું છે. ટેગીંગ વગર ફરતા ઢોરોને પકડવા માટે અલગથી ટીમો બનાવવામાં આવી છે. જેમાં SRPની ટીમ પણ જોડવામાં આવી છે. ત્યારે વરાછા ઝોનના ઢોર પાર્ટીની ટીમ સરથાણા વિસ્તારમાં રખડતા ઢોરોને પકડવા માટે ગઈ હતી. જ્યાં રખડતા ઢોર પકડતાની સાથે જ માલધારી સમાજના લોકો ભેગા થઈ ગયા હતા. જે પૈકી એક યુવાને બાઈક પર આવતાની સાથે જ પોતાના હાથમાં રાખેલી લાકડી વડે કર્મચારીઓ પર હુમલો કર્યો હતો.
આ ઘટનાની જાણકારી મળતાં અધિકારીઓ ઘટના સ્થળે પહોચ ગયા હતા અને કર્મચારીઓ પર થયેલા હુમલા અંગે તેઓએ ફરિયાદ આપી છે. હાલ તો પોલીસની એક ટીમ સ્મીમેરના હોસ્પિટલમાં પહોંચી હતી. ઈજાગ્રસ્ત થયેલા કર્મચારીના નિવેદન નોંધવાની કામગીરી કરવામાં આવી છે. કર્મચારીઓ દ્વારા આરોપીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે, ત્યારે તેમની અટકાયત કરવામાં આવી છે. - PI વિરલ પટેલ (PI, સરથાણા પોલીસ મથક)
કર્મચારી ઇજાગ્રસ્ત : આ ઘટનામાં કર્મચારી લોહી લુહાણ હાલતમાં થઈ ગયો હતો. તો બીજી તરફ SRP અને ઢોર પાર્ટીની ટીમ દ્વારા આ હુમલાખોરને પકડી પાડવામાં આવ્યો હતો અને તેને સરથાણા પોલીસ મથકે લઈ જવામાં આવ્યો હતો. લોહી લુહાણ હાલતમાં કર્મચારીને 108 મારફતે સુરતની સ્મીમેરના હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાના પગલે વરાછા ઝોનના અધિકારીઓ તાત્કાલિક ધોરણે સરથાણા પોલીસ મથકે પહોંચ્યા હતા જ્યાં તેઓએ હુમલાખોર વિરૂધ ફરિયાદ આપી હતી. જે ફરિયાદના આધારે પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.