સુરત: SOG પોલીસે બાતમીના આધારે રાંદેર વિસ્તારમાંથી બનાવટી આધારકાર્ડ સાથે આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપીએ પોતે મુસ્લિમ હોવાથી કોઈ મકાન ન આપતાં બનાવટી આધાર કાર્ડ બનાવ્યું હોવાનું જણાવ્યું છે. આરોપી પાસેથી ત્રણ અલગ અલગ નામવાળા ભારતીય આધાર કાર્ડ મળી આવ્યા છે. આ મામલે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
'અમારા પોલીસ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.પી.જેબલીયા તથા પોલીસ કોન્સ્ટેબલ કૌશલકુમાર કનૈયાલાલને બાતમી મળી હતી કે એક મુસ્લિમ યુવકે પોતાના અલગ અલગ નામના ખોટા આધાર પુરાવા બનાવી રાંદેર વિસ્તારમાં રહે છે. તે બાતમી આધારે એસ.ઓ.જી.ના અધિકારી અને માણસોએ વોય ગોઠવી આરોપીને રાંદેર વિસ્તારમાં આવેલ પાલનપુર પાસે ગણેશ મંદિરની પાછળ આવેલ હિમગીરી એપાર્ટમેન્ટમાંથી ઝડપી લેવામાં આવ્યો હતો. તેની પાસેથી અમને ત્રણ અલગ અલગ નામવાળા ભારતીય આધાર કાર્ડ મળી આવ્યા છે.' - એ.પી.ચૌધરી, પોલીસ ઇન્સ્પેક્ટર, એસઓજી
મકાન ન આપતાં બનાવટી આધાર કાર્ડ બનાવ્યું: વધુમાં જણાવ્યું કે, આરોપીની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે તે સુરત ખાતે છેલ્લા સાતેક વર્ષથી રહી અલગ-અલગ સ્પામાં નોકરી કરતો હતો. તે દરમ્યાન તેની ઓળખાણ સ્પામાં નોકરી કરતી એક હિંદુ યુવતી સાથે થઈ અને તેની સાથે લવ મેરેજ કર્યા હતા. બાદ તે હિન્દુ વિસ્તારમાં ભાડાનું મકાન શોધતો હતો. પરંતુ તે મુસ્લિમ હોય કોઈ મકાન આપતુ ન હતુ. જેથી તેણે તેના મિત્રની મદદથી પોતાના નામનું રોહિત શર્માના નામનું બનાવટી આધારકાર્ડ બનાવી હિંદુ વિસ્તારમાં રહેતો હોવાની હકીકત જણાવી હતી. પકડાયેલ આરોપી વિરૂધ્ધમાં રાંદેર પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.