સુરત પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચે પ્રિએક્ટિવ સિમકાર્ડ વેચવાના રેકેટનો પર્દાફાશ કર્યો - Surat Singanpur Area
પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચે પ્રિ એક્ટિવ સિમકાર્ડ વેચવાના રેકેટનો પર્દાફાશ કર્યો છે. સુરતના સિંગણપુર વિસ્તાર ખાતે આવેલી નવજીવન સોસાયટીમાંથી પોલીસે 84 સીમકાર્ડ સાથે વીઆઈના એજન્ટ સહીત ત્રણ વ્યક્તિની ધરપકડ કરી છે. આ કેસમાં પકડાયેલા આરોપીઓ આઈડી પ્રુફ વગર લોકોને ઊંચી કિંમતે સીમકાર્ડ વેચતા હોવાની વાતનો ખુલાસો થયો છે.
Published : Dec 13, 2023, 1:14 PM IST
સુરત: પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચે પ્રિ એક્ટિવ સિમકાર્ડ વેચવાના રેકેટનો પર્દાફાશ કર્યો છે. સુરતના સિંગણપુર વિસ્તાર ખાતે આવેલી નવજીવન સોસાયટીમાંથી પોલીસે 84 સીમકાર્ડ સાથે વીઆઈના એજન્ટ સહીત ત્રણ વ્યક્તિની ધરપકડ કરી છે. આ કેસમાં પકડાયેલા આરોપીઓ આઈડી પ્રુફ વગર લોકોને ઊંચી કિંમતે સીમકાર્ડ વેચતા હોવાની વાતનો ખુલાસો થયો છે.
વીઆઈ કંપનીના એજન્ટની સંડોવણી: પ્રિવેશન ઓફ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ કર્મીઓને માહિતી મળી હતી કે સુરત શહેરના કેટલાક વિસ્તારમાં અન્ય વ્યક્તિના નામે પ્રિ એક્ટિવેટેડ સીમકાર્ડ વેચવાનું કૌભાંડ ચાલી રહ્યું છે. આ કૌભાંડમાં વીઆઈ કંપનીના એજન્ટની સંડોવણી પણ બહાર આવી છે. પોલીસે બાતમીદાર દ્વારા મળેલી માહિતીને આધારે સિંગણપુર વિસ્તાર ખાતે આવેલી નવજીવન સોસાયટીમાં હાલમાં રહેતા વિજય ગોવિંદ રાઠોડની પૂછપરછ હાથ ધરી હતી. પોલીસને જાણ થઈ હતી કે આરોપી વિજય પોતાની પાસે વીઆઈ કંપનીના અનેક પ્રી એક્ટિવેટેડ સીમકાર્ડ કોઈપણ આધાર પુરાવા વગર મિતેશ બોરીયા અને વિકાસ વાઘેલાને સપ્લાય કરે છે. આ બાતમીના આધારે પોલીસે આ બંનેની રાંદેર અને અડાજણ બસ સ્ટોપ પાસેથી ધરપકડ કરી હતી.
12 જેટલા એક્ટિવ સીમ કાર્ડ: આ આરોપીઓ પાસેથી પીસીબીએ 14 જેટલાં પ્રિ એક્ટિવ સિમ કાર્ડ, 70 એક્ટિવ સિમકાર્ડ અને 4 મોબાઈલ ફોન મળીને કુલ રૂપિયા 45,770 નો મુદ્દા માલ કબજે કર્યો છે. આ સમગ્ર કિસ્સામાં પોલીસે સીમકાર્ડ આપનાર આરોપી રુદ્ર અને ખરીદનાર જયને વોન્ટેડ જાહેર કર્યા છે. આરોપી વિજય બે પૈકી એક સીમકાર્ડ ગ્રાહકને આપતો હતો જ્યારે બીજું સીમકાર્ડ પોતાની પાસે રાખતો હતો અને તેને એક્ટિવેટ કરાવી દેતો હતો. જે કોઈ વ્યક્તિ પાસે આઈડી પ્રૂફ ન હોય તેવા વ્યક્તિને આ પ્રિ એક્ટિવ કાર્ડ તે ઉંચી કિંમતે વેચી દેતો હતો. પોલીસ દ્વારા આરોપી પાસેથી જે સીમકાર્ડ જપ્ત કરવામાં આવ્યા છ, તેમાં 12 જેટલા એક્ટિવ સિમ કાર્ડ છે. આરોપી વિજય સાયણના રુદ્ર નામના એક વ્યક્તિ પાસેથી આ સીમકાર્ડ મેળવ્યા હતા. જ્યારે 10 જેટલા સીમકાર્ડ તે જય નામના વ્યક્તિને આપવાના હતા.
રાઠોડની આર્થિક પરિસ્થિતિ સારી નહોતી: પોલીસ ઇન્સ્પેકટર રાજેશ સુવેરાએ આ કેસની માહિતી આપતા જણાવ્યું હતું કે, "પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીઓ અગાઉ પણ એ ઘટનાને અંજામ આપી ચૂક્યા છે. આરોપી વિજય રાઠોડની આર્થિક પરિસ્થિતિ સારી નહોતી જેથી તે કમિશન અને વધુ રૂપિયાની કમાવાની લાલચને લીધે આ સમગ્ર ઘટનાક્રમમાં સંડોવાયેલો હતો. આરોપી વિજય ગ્રાહકોને પોતાના મોબાઈલમાં વીઆઈ કંપનીની સ્માર્ટ કનેક્ટ નામની એપમાં જઈ આઈડી અને પાસવર્ડ મારફતે લોગીન કરતો હતો. તમામ વિગતો તે મોબાઇલના ઓનલાઈન કસ્ટમર એપમાં ભરીને સીમકાર્ડ એક્ટિવેટ કરાવતો હતો. આ મામલે હાલ વધુ તપાસ ચાલી રહી છે.