રાત્રિ દરમિયાન વાજબી ભાવની દુકાનના સંચાલક અને ટેમ્પો ચાલકના મેળાપીપળામાં અનાજની હેરાફેરી કરવામાં આવી રહી છે તેવી માહિતી મળી હતી. જેને વરાછાના કોંર્પોરેટર દિનેશ કાછડિયા અને કાર્યકરોએ સરકારી અનાજ સગેવગે કરવાનું કૌભાંડ ઝડપી પાડ્યુ હતું. ગરીબોના હકનું અનાજ મોટા પ્રમાણમાં લઈ જતા બોલેરો પિક- અપ વાન પર શંકા જતા અટકાવવામાં આવી હતી. જ્યાં કેતન કાંચા નામના ચાલકે અનાજ એ.કે.રોડ જીઆઇડીસી વિસ્તારમાં આવેલ સસ્તા અનાજની સરકારી દુકાનમાંથી લાવ્યો હોવાની હકીકત જણાવી હતી.
સરકારી વાજબી ભાવની દુકાનના સંચાલક હિંમતભાઈ નામના ઈસમ પાસેથી આ સરકારી અનાજ ગેરકાયદેસર રીતે લઈ પિપોદરા ખાતે આવેલી પોતાની જ ફ્લોર મિલમાં લઈ જઈ રહ્યો હોવાની કબૂલાત કરી હતી. વરાછા પોલીસે તપાસ કરતા.ટેમ્પોમાંથી 65000 કિંમતની 60 સરકારી અનાજની બોરી મળી આવી હતી. જ્યાં આખરે સરકારી અનાજની હેરાફેરીનો કાળા કારોબારનો પર્દાફાશ થયો હતો. પોલીસે ટેમ્પો જપ્ત કરી ચાલકની ધરપકડ કરી હતી.
પોલીસે મળી આવેલ સરકારી અનાજના જથ્થા અંગે પુરવઠા વીભાગને જાણ કરવાની સાથે આગળની તપાસ હાથ ધરી છે.