સુરત: દક્ષિણ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. સુરત શહેર અને જિલ્લામાં પ્રતિ દિવસ 250 જેટલા કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે. જેમાં હીરા ઉદ્યોગમાંથી પણ સૌથી વધુ કેસ સામે આવી રહ્યા છે. જેના કારણે સેફ ડિપોઝીટ વોલ્ટ અને હીરા બજાર એક અઠવાડિયા માટે બંધ રાખવાનો વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક રીતે નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ અન્ય હીરા વેપારીઓને પણ બંધ રાખવા માટેની અપીલ કરવામાં આવી છે. વરાછાના માનગઢ ચોક વિસ્તારમાં આવેલા હીરા ચોકસી બજાર તેમજ કેટલાક સેફ ડિપોઝીટ વોલ્ટ દ્વારા સ્વૈચ્છિક રીતે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
હાલ કોરોનાની ચાલી રહેલી મહામારી અને કોરોના સંક્રમણને અટકાવવા માટે હીરા બજારને વધુ એક અઠવાડિયા માટે બંધ રાખવા અપીલ કરવામાં આવી છે. આ માટે સુરતના વરાછા હીરા બજાર વિસ્તારમાં સુચના પત્ર પણ મારવામાં આવ્યા છે. તેમજ બોર્ડ પર સ્પષ્ટ સૂચના લખવામાં આવી છે. કે 14મી જુલાઇથી 19 જુલાઇ સુધી હીરા બજાર સંપૂર્ણ રીતે બંધ રહેશે. જે માટે હીરા વેપારીઓએ પણ સાથ અને સહકાર આપવા અનુરોધ કરાયો છે.
ઉલ્લેખનીય છે કે આવતીકાલથી કોરોનાની નવી ગાઇડલાઇન પ્રમાણે વરાછા, મહિધરપુરા અને કતારગામના નાના-મોટા હીરા ઉદ્યોગો ફરી કાર્યરત થવા જઈ રહયા છે.કોરોનાના વધતા કેસના કારણે તંત્રની સૂચના બાદ એક સપ્તાહ માટે હીરા ઉદ્યોગો બંધ કરી દેવામાં આવ્યા હતા.
જ્યાં હવે નવી ગાઈડ લાઈનના ચુસ્ત પાલન સાથે ફરી હીરા કારખાનાઓ આવતીકાલથી ધમધમી ઊઠવાના હતા. અને તેની સામે વેપારીઓએ સ્વચૈછીક રીતે વેપાર બંધ કરતા તેઓ મૂંઝવણમાં મુકાયા છે.