સુરતઃ રાંદેર વિસ્તારમાં પાલનપુર પાટીયા પાસે ગુજરાત હાઉસિંગ બોર્ડમાં 32 વર્ષીય રીટાદેવી નામની મહિલા પોતાના નાના કુટુંબ સાથે રહેતી હતી. રીટાદેવીએ ઘરકંકાસથી કંટાળી જઈને આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તારણ છે. આ સામુહિક આત્મહત્યાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
પોલીસ કાફલો ઘટનાસ્થળેઃ આ કરૂણ ઘટનાની જાણ થતાં જ રાંદેર પોલીસ ઉચ્ચ અધિકારી સહિત ઘટના સ્થળે આવી પહોંચી હતી. પોલીસે ત્રણેય મૃતદેહોનું પંચનામુ કર્યા બાદ નવી સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યા હતા.
રાંદેર પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવેલ પાલનપુર પાટીયા પાસે ગુજરાત હાઉસિંગ બોર્ડમાં એક મહિલાએ પોતાના પુત્રી પુત્રને ફાંસો આપી હત્યા કરીને પોતે પણ આપઘાત કર્યો હોવાનો કોલ આવતા જ અમે ત્યાં પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અમને આ તપાસમાં 32 વર્ષીય રીટાદેવી મુન્નાકુમાર યાદવ, 9 વર્ષિય અંશિતા, 5 વર્ષિય રોબોટના મૃતદેહો મળ્યા છે. હાલ ત્રણેય મૃતદહોનો કબ્જો લઈ નવી સિવિલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે...અતુલ સોનારા(PI, રાંદેર પોલીસ સ્ટેશન)
મૂળ કારણ ઘર કંકાસ: આ સમગ્ર ઘટનાનું મૂળ કારણ ઘર કંકાસ માનવામાં આવે છે. રીટાદેવીએ બે લગ્ન કર્યા હતા. તેમના પહેલા પતિ રાજેશકુમાર પ્રસાદ હતા. રીટાદેવીને પહેલા પતિથી પુત્રી અંશિતા હતી. તેમના બીજા લગ્ન મુન્નાકુમાર વર્મા સાથે થયા હતા. મુન્નાકુમારથી તેમને રોબર્ટ નામનો પુત્ર થયો હતો. મુન્નાકુમાર છુટક કામ કરીને ઘર પરિવાર ચલાવતા હતા. આ પરિવારમાં આર્થિક સંકડામણ રહેતી હોવાને પરિણામે વારંવાર ઘર કંકાસ થતો હતો. અવાર નવારના ઘર કંકાસથી કંટાળીને રીટાદેવીએ મોતને વ્હાલુ કર્યુ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
પરપ્રાંતિય હતો પરિવારઃ રીટાદેવી મૂળ બિહારમાં આવેલ શિવાન જિલ્લાના ચિત્રગુપ્તના રહેવાસી હતા. તેમના પેહલા પતિ પણ મૂળ બિહારના શિવાન જિલ્લાના આનંદનગરના રહેવાસી છે. તેમના બીજા પતિ પણ મૂળ બિહારના શિવાન જિલ્લાના ડાક બંગલાના રહેવાસી છે. ગુજરાત રાજ્ય બહારના પરિવારની આ સામુહિક આત્મહત્યાને પરિણામે સમગ્ર રાંદેર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.