સુરત: રક્ષાબંધનના પર્વ પર બહેનો ભાઈ માટે સૌથી અનોખી રાખડી પસંદ કરતી હોય છે. આ વખતે સુરતમાં ખાસ રાખડી બનાવવામાં આવી છે. આર્ટિસ્ટ આયુષી દેસાઈએ ખાસ કસ્ટમાઇઝ રાખડી તૈયાર કરી છે. જેને વિદેશોમાં રહેતા ગુજરાતીઓ પણ ખૂબ જ પસંદ કરી રહ્યા છે.
![100થી પણ વધુ વર્ષ ચાલશે આ રાખડી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/03-08-2023/gj-sur-rakdhi-longlasting-7200931_03082023122556_0308f_1691045756_499.jpg)
રાખડીની વિશેષતા: 24 કેરેટ ગોલ્ડની પરત ડિઝાઇન સાથે આ રાખડી તૈયાર કરવામાં આવી છે. પૂજાની પવિત્ર વસ્તુઓ જેમ કે રુદ્રાક્ષ, ભસ્મ, કુમકુમ, ચંદન, ધાન્ય, મોરપંખ, તુલસી, પુષ્પ, ચોખા, નારીયલની છાલ, સહિત અન્ય વસ્તુઓ સામેલ છે. રક્ષાબંધન પછી આ ખાસ રાખડીને પેન્ડલ, બ્રેસલેટ અથવા તો કિચન તરીકે પણ વાપરી શકાય છે. આ રાખડી વર્ષો સુધી ચાલે છે.
![ભાઈના લકી નંબર આધારે રાખડીમાં રુદ્રાક્ષ પણ લગાડવામાં આવે છે.](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/03-08-2023/gj-sur-rakdhi-longlasting-7200931_03082023122556_0308f_1691045756_761.jpg)
આ રાખડીની અંદર 24 કેરેટ ગોલ્ડ પરતથી ડિઝાઇન પણ કરવામાં આવી છે. ખાસ કેમિકલની અંદર આ પૂજાની જે તમામ સામગ્રીઓ છે તે ડિઝાઇન મુજબ અને ઓર્ડર મુજબ તૈયાર કરવામાં આવે છે. એક રાખડી બનાવવામાં બેથી ત્રણ દિવસ લાગે છે. ઓર્ડર પ્રમાણે જો કોઈને રુદ્રાક્ષ અને ચોખાની અથવા તો અન્ય કહી શકાય તેવા મોર પંખ અથવા તો તુલસીની રાખડી જોઈએ તો તે જ પ્રમાણે અમે રાખડી બનાવી રહ્યા છે. ભાઈના લકી નંબર આધારે રાખડીમાં રુદ્રાક્ષ પણ લગાડવામાં આવે છે. - આયુષી દેસાઈ (આર્ટિસ્ટ)
વિદેશમાંથી રાખડીના ઓર્ડર
વિદેશમાંથી રાખડીના ઓર્ડર: આયુષીએ જણાવ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષથી હું કસ્ટમાઈઝ રાખડી બનાવું છું. ભારત દેશના અન્ય રાજ્યો સહિત ખાસ કરીને જે ઓસ્ટ્રેલિયા અને અમેરિકા ગુજરાતીઓ રહે છે અથવા તો જ્યાં સ્ટોર છે ત્યાં ઓર્ડર પ્રમાણે તેમને આ રાખડી મોકલું છું. વિદેશમાં આવેલા જનરલ સ્ટોરના સંચાલકો મને ઓર્ડર આપતા હોય છે. આ વખતે આશરે 120 જેટલી રાખડીઓ મોકલવામાં આવી છે. એક રાખડીની કિંમત 70થી 100 રૂપિયા હોય છે. જેથી સારી કસ્ટમાઇઝ રાખડી સસ્તા ભાવે વિદેશમાં લોકોને મળી જાય છે. મોટાભાગે આવી રાખડીયો ગુજરાતી સમાજના લોકો જે ત્યાં વધારે પસંદ કરતા હોય છે.