સુરત : છેલ્લા ત્રણ દિવસથી સુરત અને જિલ્લામાં ભારે વરસાદ પડી રહ્યો છે, ત્યારે સીઝનના પહેલા જ વરસાદમાં સુરતમાં જાણે ખાડી પુરની સ્થિતિનું નિર્માણ થયું હોય તેમ લાગી રહ્યું છે. સુરતના પુણા કુંભારીયા સ્થિત આવેલા પાદર ફળિયા અને સણીયા હેમાદ ગામમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. કમર સુધી પાણી ફરી વળતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. બંને ગામમાં ત્રણથી ચાર ફૂટ પાણી ભરાઈ જતા લોકોને મુશ્કેલી પડી રહી છે.
ઘરોમાં પાણી ઘૂસી જાય છે : સુરત શહેરમાં ભારે વરસાદને પગલે દર વર્ષે ખાડી પુરની સ્થિતિનું નિર્માણ થાય છે, પરંતુ હજુ તો ચોમાસાની શરૂઆત થઇ છે, ત્યાં જ ખાડી પુર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. સુરતના પુણા કુંભારીયા ગામ પાસે આવેલા પાદર ફળિયા અને હળપતિ વાસમાં ખાડીના પાણી ઘૂસી ગયા છે. અહીં 50 ઘરોમાંથી અંદાજીત 25થી 30 ઘરોમાં પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. લોકોને સ્કુલ, વાડીમાં રાત વિતાવવાનો વારો આવ્યો છે. લોકોના ઘરો અહીં પાણીમાં ડૂબી ગયા હતા જેથી લોકોની ઘરવખરીને પણ નુકસાન થયું છે.
અમારા ગામમાં દર વર્ષે આ સમસ્યા સર્જાય છે. આ વખતે તો પ્રથમ વરસાદમાં જ મુશ્કેલી થઈ રહી છે. ઓછા વરસાદ પડે તો પણ રસ્તા જામ થઈ જાય છે. પાછળ જ એમ્બ્રોઇડરીનું કારખાનું છે તેમ છતાં અમને બેથી ત્રણ કિલોમીટર વધુ પસાર થઈને જવું પડે છે. પુના કુંભારીયા બ્લોક થઈ ગયો છે. અગાઉ આ વિસ્તાર પંચાયતમાં હતો, પરંતુ હાલ સુરત મહાનગરપાલિકાની અંદરમાં આવે છે. છેલ્લા ચાર વર્ષથી આ સમસ્યાનો કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી. - આહિર નરસિંહ (સ્થાનિક)
ત્રણ દિવસથી ધોધમાર વરસાદ વરસી : હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. ત્રણ દિવસથી સતત મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. સુરત શહેરમાં પણ છેલ્લા ત્રણ દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને પગલે સુરત શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. જેને લઈને લોકોને ભારે હાલાકી પડી છે. તો બીજી તરફ મનપાની પ્રિ મોન્સુન કામગીરીની પોલ ઉઘાડી પડી ગઇ છે. સીઝનનો હજુ પહેલો જ વરસાદ છે ત્યાં શહેરમાં જળબંબાકાર જેવી સ્થિતીનું નિર્માણ થયું છે.
ખાડી પૂર જેવી સ્થિતિ : માત્ર પુણા કુંભારીયા જ નહીં સણીયા હેમાદમાં પણ જાણે અહીં નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. સણીયા હેમાદ ગામમાં પણ કમર સુધીના પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકી પડી રહી છે. દર વર્ષે અહીં આ પ્રકારની સ્થિતિ સર્જાતા લોકોને ભારે હાલાકી પડી રહી છે. હજુ તો સીઝનનો પહેલો વરસાદ વરસ્યો છે, ત્યાં જ શહેરમાં ખાડી પુર જેવી સ્થિતિ જોવા મળી રહી છે. અહીં ગામમાં આવેલું મંદિર પણ પાણીમાં અર્ધું ગરકાવ થઇ ગયું હતું સ્થાનિકોએ રોષપૂર્વક જણાવ્યું હતું કે, અમારા ઘર પાણીમાં ડૂબી ગયા છે. અમારે રહેવા માટેની હાલ કોઈ વ્યવસ્થા નથી, મનપા દ્વારા પણ અહીં કોઈ કામગીરી થતી નથી, મનપા ગરીબો માટે નહી પણ મોટા લોકો માટે કામ કરે છે. વોટ લેવા હોય તો અમારી પાસે આવે છે પણ આવી પરિસ્થિતિમાં અમારી સામે કોઈ જોતું નથી.
છેલ્લા ચારથી પાંચ વર્ષથી આ સમસ્યા છે, જ્યારથી વાલક ખાડી ડાયવર્ટ કરવામાં આવી છે, ત્યારથી આ સમસ્યા સર્જાય છે. આ લોકોએ કંઈ કામ કર્યું નથી પાણી છોડવાના કારણે ખાડીમાં પાણી આવે છે. ખાડીનું પાણી અમારા ગામમાં આવી જાય છે. અગાઉ પણ પાણી આવતું હતું, પરંતુ આટલું નહીં. - સંજયભાઈ (ગામના માજી સરપંચ)
હાલાકી ભોગવવી પડી રહી છે : સ્થાનિક રમેશભાઈએ જણાવ્યું હતું કે, અમે સળિયા ગામના રહેવાસી છે. આ રસ્તા પરથી અમે અવર-જવર કરતા હોઈએ છીએ, પરંતુ પ્રથમ વરસાદમાં જ આ વખતે પાણી ગામમાં ભરાઈ જતા અમને હાલાકી ભોગવવી પડી રહી છે. જ્યારે પણ વરસાદ થાય ત્યારે અહીં પાણી ભરાઈ જાય છે.
નાવડી બોલાવી પડે છે : સ્થાનિક અર્જુન કુમારે જણાવ્યું હતું કે, છેલ્લા ચાર વર્ષથી આ સમસ્યા છે, જરાક વરસાદ થાય તો પાણી ભરાઈ જાય છે. દર વર્ષે પાણી ભરાઈ જવાના કારણે અહીં નાવડી બોલાવી પડે છે. ગ્રામ પંચાયતના લોકો પાણી દૂધની સુવિધા આપી દેતા હોય છે, પરંતુ આ સમસ્યા છેલ્લા કેટલાક વર્ષોથી યથાવત છે. જ્યારે પણ પાણી ભરાઈ જાય ત્યારે કોઈપણ પ્રકારની સુવિધા હોતી નથી. કમર સુધી પાણી ભરાઈ જાય છે.