સુરત: જિલ્લા પોલીસ દ્વારા શહેરને સેફ રાખવા માટે 'નો ડ્રગ્સ ઇન સુરત સિટી' અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે તો બીજી તરફ ગુનાઓ આચરી ઘણા લાંબા સમયથી ફરાર હોય એવા આરોપીઓને પકડી પાડવા માટે ખાસ ડ્રાઈવ શરુ કરી છે, જે અંતર્ગત ગંભીર ગુનાઓમાં 6 વર્ષથી લઈને 40 વર્ષ સુધી નાસ્તા ફરતા હોય એવા 183 આરોપીઓને સુરત પોલીસે ઝડપી પાડ્યા છે. ઘણા લાંબા દાયકાઓથી ફરાર આરોપીઓને હવે એમ હશે કે આટલા વર્ષો વીતી ગયા હવે પોલીસ તેઓને ક્યારેય પકડી નહી શકે અને તેઓ ગુનો આચર્યા બાદ સજાથી બચી જશે પરંતુ આરોપીઓની આવી ધારણા પોલીસે ખોટી પાડી છે. પોલીસે દાયકાઓથી નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડી સાબિત કરી દીધું છે કે કાનુન કે હાથ બહુત લંબે હોતે હૈ...
કેસ-1: 2008માં મહિલા પર જીવલેણ હુમલો કરનાર આરોપી 15 વર્ષ બાદ ઝડપાયો
શહેરમાં અપરાધને અંજામ આપ્યા બાદ નાસી ગયેલા ટોપ 16 મોસ્ટ વોન્ટેડ આરોપીઓમાંથી એક આરોપી કે જેણે વર્ષ 2008માં સુરત શહેરના સચિન વિસ્તારમાં લોકઅપમાંથી ભાગી ગયો હતો. જે છેલ્લા 15 વર્ષથી આરોપી નાસ્તો ફરતો હતો અને તેને પકડી પાડવા પર 20 હજાર રૂપિયાનું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું. સુરતના ઉનગામમાં જમીન બાબતે ઝઘડો થયા બાદ મહિલા પર જીવલેણ હુમલો કરનાર આરોપી 40 વર્ષિય હસીબખાન ઉર્ફે સિકંદર હબીબખાન પઠાણની પોલીસે ધરપકડ કરી હતી.
કેસ-2: હત્યા કેસમાં 25 વર્ષ બાદ આરોપીને સુરત પોલીસે આંધ્ર પ્રદેશથી ઝડપી પાડ્યો
સુરત ક્રાઈમ બ્રાંચ પોલીસ પાસે આરોપીનો ફોટો કે અન્ય માહિતી ન હતી જો કે તેના ડાબા હાથનો અંગુઠો કપાયેલો છે તે હકીકત જાણતી હતી. જેથી ક્રાઈમ બ્રાંચની ટીમે કપાયેલા અંગુઠાના આધારે આરોપીને ઓળખી કાઢી તેની ધરપકડ કરી હતી. સુરત ક્રાઈમ બ્રાંચની ટીમને માહિતી મળી હતી કે ઉમરા પોલીસ મથકમાં નોંધાયેલા હત્યાના ગુનામાં સંડોવાયેલો આરોપી કે જે છેલ્લા 25 વર્ષથી નાસ્તો ફરે છે તે આંધપ્રદેશમાં ફરી રહ્યો છે. બાતમીના આધારે પોલીસની એક ટીમ ત્યાં ગઈ હતી અને આરોપી 55 વર્ષીય હાથી કાલીયા ઉદય જૈનાને ઝડપી પાડ્યો હતો.
કાનુનના હાથથી બચી શકશે નહીં: સુરત પોલીસ કમિશર અજય કુમાર તોમરે જણાવ્યું હતું કે ઘણા સમયથી વોન્ટેડ હોય એવા 183 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. 6થી 10 વર્ષથી નાસ્તા ફરતા હોય એવા 36, 11થી 15 વર્ષથી ફરાર હોય એવા 35 આરોપીઓ, 16થી 20 વર્ષથી વોન્ટેડ હોય એવા 19, તેમજ 21થી 25 વર્ષથી વોન્ટેડ હોય એવા 11 અને 26થી 30 વર્ષથી વોન્ટેડ હોય એવા 10 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. જેમાં એક આરોપી તો 40 વર્ષથી વોન્ટેડ હતો જેને પકડવામાં પોલીસને સફળતા મળી છે. આવા આરોપીઓને પકડી પાડવાથી એક મેસેજ જશે કે કાનુનના હાથ લાંબા છે, કોઈ પણ ગુનેગાર ભાગીને પોલીસ અને કાનુનના હાથથી બચી શકશે નહી.