સુરત: સુરતમાં બેંક ઓફ મહારાષ્ટ્રમાં લૂંટની ઘટના બની હતી. જેમાં આરોપીઓ અમેઠીથી આવી સુરતના સચિન વિસ્તારમાં બેંક ઓફ મહારાષ્ટ્રમાં ધોળા દિવસે લૂંટ કરી હતી. સુરત શહેરના સચિન વિસ્તાર ખાતે વાંચ ગામ બેંક ઓફ મહારાષ્ટ્રમાં રૂપિયા 13.26 લાખની લૂંટ ધોળા દિવસે થઈ હતી. ગણતરીના દિવસોમાં સુરત ક્રાઈમ બ્રાન્ચે આ પ્રકરણમાં ચાર જેટલા આરોપીઓની ઉત્તરપ્રદેશના રાયબરેલીથી ધરપકડ કરી છે.
"આરોપી બીપીન અમેઠીમાં કાપડની દુકાન ધરાવે છે. અવારનવાર અહીંથી કાપડ લઈ ત્યાં ધંધો કરતો હતો. આરોપી વિપિન સુરતથી પરિચિત હતો. તેના ઉપર 32 જેટલા કેસો ઉત્તર પ્રદેશમાં નોંધાઈ ચૂક્યા છે. છ મહિના પહેલા જ તે જેલથી બહાર આવ્યો છે. લૂંટની ઘટનાને અંજામ આપવા માટે તેને અન્ય ચાર લોકોની મદદ લીધી હતી. બેંકની અંદર સિક્યુરિટી ગાર્ડ નથી. તેથી તેનો લાભ લઈ બેંકની અંદર લૂંટની ઘટનાને અંજામ આપ્યો છે. તેમની પાસેથી પિસ્તોલ અને બે લાખ કેશ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.."--અજય તોમર, પોલીસ કમિશનર
સીસીટીવી ફૂટેજમાં દેખાયા: તારીખ 11 ઓગસ્ટના રોજ સુરત શહેરના સચિન સ્થિત વાંચ ગામે આવેલી બેંક ઓફ મહારાષ્ટ્રમાં હેલ્મેટ પહેરીને પાંચ જેટલા લોકો પિસ્ટલ કટ્ટા જેવા હથિયાર લઈ પહોંચી ગયા હતા. ગ્રાહકો કર્મચારીઓને બંધી બનાવી બેંકની અંદરથી રુપિયા 13.26 લાખની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. આરોપીઓ બેંકમાં લૂંટ કર્યા બાદ નાસી જતા સીસીટીવી ફૂટેજ પણ પોલીસને મળ્યા છે. જેના આધારે સુરત પોલીસે તપાસ શરૂ કરી હતી.
ઉત્તરપ્રદેશથી ઝડપાયા: પોલીસે જ્યારે બાઈકની તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે, તેઓએ આ બાઈક પલસાણા અને સુરત શહેરના એક વિસ્તારથી ચોરી કરી હતી. ટેકનિકલ અને હ્યુમન સર્વલેન્સના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી. આખરે પોલીસ આરોપી સુધી પહોંચી ગઈ હતી. બેંક ઓફ મહારાષ્ટ્રમાં ધોળા દિવસે લૂંટ કરનાર આરોપીઓની ઉત્તરપ્રદેશથી ધરપકડ કરવામાં આવી છે. લૂંટ કરવા પહેલા તેને પોતાના અન્ય સાગિરદો અરબાઝ ગુર્જર, અનુજ પ્રતાપ ઠાકુર અને કુરકાન સેફ ગુર્જરની મદદ લીધી હતી.