સુરત : સુરત શહેરના ઉધના ખાતે આવેલ રોડ નંબર ત્રણ નજીકમાં અચાનક જ ભીષણ આગ લાગી હતી. શંકર ડાઈંગ મિલની અંદર સેન્ટ્રલ મશીનમાં આગની પ્રચંડ જ્વાલાઓ જોવા મળી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની સાત ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવા માટેનો પ્રયાસ શરૂ કર્યો હતો. આશરે દોઢ કલાકની જહેમત બાદ આગ પર ફાયર વિભાગ દ્વારા કાબુ મેળવવામાં આવ્યો હતો. ત્યારબાદ ફાયર વિભાગ દ્વારા કુલિંગની કામગીરી કરવામાં આવી રહી હતી.
સિમેન્ટના પતરા ઉપર ઉભા રહી પાણીનો મારો કરી રહ્યા હતાં : ફાયર વિભાગના સબ ફાયર ઓફિસર મનોજ શુક્લા સિમેન્ટના પતરા ઉપર ઉભા રહી પાણીનો મારો કરી રહ્યા હતાં. તે દરમિયાન અચાનક જ તેઓ ત્યાંથી નીચે પટકાતા તેમને ગંભીર ઇજાઓ થઈ હતી. ગંભીર ઇજાઓ થતા તેમને તાત્કાલિક પોલીસવાનમાં બેસાડીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં.
આઈસીયુમાં દાખલ : ફાયર વિભાગના ઓફિસર વસંત પરેખે જણાવ્યું છે કે હાલ મનોજ શુક્લાની સારવાર ચાલી રહી છે. તેઓ બીજા માટેથી નીચે પટકાયા હતા. સિમેન્ટના પતરા પર ઉભા રહીને તેઓ આગ ઓલવવા માટે પ્રયાસ કરી રહ્યા હતાં. તે દરમિયાન આ ઘટના બની હતી. તેમને કમર અને પગના ભાગે ઇજાઓ થઈ છે અને ફેક્ચર પણ થયું છે જ્યારે આ ઘટના બની ત્યારે તેમને તાત્કાલિક પોલીસમાં હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવ્યા હતાં. હાલ તેમને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની સારવાર ચાલી રહી છે.