સુરત : તહેવારોની સિઝન શરૂ થતાં કાપડ માર્કેટમાં બહારગામના વેપારીઓની અવરજવર વધી છે. સાડી અને ડ્રેસ મટીરીયલ્સની ખરીદી માટે આવતા ઉત્તર, પૂર્વ અને દક્ષિણ ભારતના વેપારીઓની સંખ્યા ધીમેધીમે સુરતના કાપડમાર્કેટમાં વધવા લાગી છે. એમાય વળી ચોમાસુ સારું રહેતાં બહારગામની ઘરાકી સારી રહેવાની ધારણા વેપારીઓને છે. તહેવારો શરૂ થતા વેપારમાં નવા જોશનો સંચાર થયો છે અને સાડીની માગ વધતા વેપારીઓનો ઉત્સાહ દેખાવા લાગ્યો છે.
આ સપ્તાહથી વેપાર વધ્યો : એક સમય હતો જ્યારે કાપડમાર્કેટમાં રીતસરના ચકલા ઉડતા હતા. એમાંય વળી જુલાઈના મધ્યમાં શરૂ થયેલો વરસાદનો રાઉન્ડ લગભગ પંદર દિવસ ચાલતા બહારગામના વેપારીઓની સંખ્યા લગભગ નહિવત રહી હતી. તે વેળાએ તહેવારોની ખરીદી સારી રહેશે કે નહીં તે અંગે અવઢવ હતી. સપ્તાહના પ્રથમ દિવસથી વેપાર સુધર્યો છે.
પ્રિન્ટેડ સાડીની માગ અધિક માસ બાદ શરૂ થતા શ્રાવણ માસથી તહેવારોની મોસમ શરૂ થશે.લહેરિયા સાડીની સાથે પ્રિન્ટેડ સાડીની પણ ડીમાન્ડ વધુ છે. ફ્લાવર્સ, હાથી ઘોડા, પેનલ જેવી અલગ અલગ ડિઝાઇનો બનાવવામાં આવે છે. તેવી પ્રિન્ટેડ સાડીની માગ વધુ છે. રક્ષાબંધનના તહેવારની 50 ટકા ખરીદી પૂર્ણ થઇ ગઇ છે.
જૂન અને જુલાઈમાં વેપાર ઘટીને લગભગ 50 ટકા જેવો રહ્યો હતો. ચોમાસુ સારું જામતા વેપારનો ઉત્સાહ વધ્યો છે. બહારગામના વેપારીઓની તહેવારો વખતની ખરીદી માટે ઓર્ડર શરૂ થયા છે. લહેરિયા સાડીનો વેપાર 70 થી 75 ટકા જેટલો થયો છે. સુરતમાં રાજસ્થાન, છત્તીસગઢ, મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાંથી વેપારીઓ માલ લેવા માટે આવે છે. હાલમાં આવનાર રક્ષાબંધનના તહેવારની હાલમાં 50 ટકા ખરીદી પૂર્ણ થઈ છે. સૌથી વધુ વેટલેસ, જોર્જટ, સાડગ્રામ પ્લેન જેવા કાપડની ફેન્સી સાડીની માગ છે. શ્રાવણમાં લહેરિયા સાડીના વેચાણથી 200 કરોડ રૂપિયાની વેપારની આશા છે. ઓનમ અને રક્ષાબંધનના પર્વ પર લગભગ 300 કરોડ રૂપિયાનો વેપાર થઈ શકશે. આ પછી ગૌરી ગણેશ, છઠપૂજા, દિવાળી સુધીના પર્વ પર ત્રણ મહિનાના સમયગાળામાં 15 હજાર કરોડનો વેપાર સુરત ટેક્સટાઇલ ઉદ્યોગને મળી શકશે...રંગનાથ શારદા(કાપડના વેપારી)
ફેન્સી સાડી રૂપિયા 300થી લઇને 1000 સુધીમાં : સાથે તેઓએ જણાવ્યું હતું કે, એમાંય પ્લેન સાડીમાં અલગ અલગ પ્રકારની બોર્ડર અને સાટીન પટ્ટાવાળી ફેન્સી સાડીની માગ વધારે છે. ફેન્સી સાડી રૂપિયા300થી લઇને 1000 રુપિયા સુધીની બજારમાં મળે છે. દરેક ચીજવસ્તુઓના ભાવ વધ્યા છે તે પ્રમાણે કાપડ પર પણ તેની અસર થઈ છે. સાડી અને ડ્રેસ મટીરીયલ્સના ભાવમાં પાછલા એક વર્ષમાં 15 થી 25 ટકાનો વધારો થયો છે. બજારમાં હજુય નાણાકીય કટોકટી છે આમ છતાં તહેવારોમાં સારા વેપારની અપેક્ષાએ વેપારીઓ આગળ વધી રહ્યા છે.
ફેન્સી સાડીની ડિમાન્ડ વધારે રહેવાની ધારણા : અશોકા ટાવર કાપડ માર્કેટના સાડીના વેપારી પુરુષોત્તમભાઈ બિયાની કહે છે કે, હાલમાં સાડીનો વેપાર પહેલા કરતા સારો ચાલી રહ્યો છે. કર્ણાટક, બેંગલોર જેવા રાજ્યના બહારગામના વેપારીઓ ખરીદી કરવા આવી રહ્યા છે અમને મહારાષ્ટ્ર, કર્ણાટકના ગૌરી ગણેશના તહેવાર માટે સારો એવો વેપાર થશે તેવી આશા છે. શ્રાવણ મહિનામાં લહેરિયા સાડીની ડિમાન્ડ વધારે છે તેમજ હવે આવનારા તહેવારો જેમકે રક્ષાબંધન, જન્માષ્ટમી, ગણેશ મહોત્સવ, દુર્ગાપુજા, દિવાળી, છઠ્ઠ પુજા તહેવારો માટે ફેન્સી સાડીની ડિમાન્ડ વધારે રહેશે તેવી ધારણા છે .હાલ ફેન્સી સાડીમાં અલગ અલગ પ્રકારના બોર્ડર પટ્ટીની ડીમાન્ડ છે. જેકાર્ડ બોર્ડર, ધમાલ પટ્ટા લગાવેલ સાડીની સૌથી વધુ ડિમાન્ડ છે જોર્જટ, ડોલા સિલ્ક, સાડગ્રામ, વેટલેસ જેવા અલગ અલગ પ્રકારના કાપડની સાડીમાં સૌથી વધુ જોર્જટ ફેન્સી ડીમાન્ડ છે.