સુરત : કહેવત છે કે 'સુરતનું જમણ અને કાશીનું મરણ....' દેશવિદેશના લોકો સુરતી જમણના ચાહક છે. દક્ષિણ ગુજરાતમાં શિયાળો જામી ગયો છે અને સાથે લોકો જેની આતુરતાથી રાહ જોઇને બેઠાં હતાં એ ‘ પોંક ’ નું સુરતમાં આગમન થઇ ગયું છે. સુરત શહેરના અડાજણ વિસ્તાર ખાતે આવેલ પોંકનગરીમાં સ્વાદ રસિયા સુરતીલાલાઓને માત્ર પોંકની અલગ અલગ વાનગીઓ જ નહીં, ખેતરથી આવેલ પોંક કઈ રીતે વાનગીઓ માટે તૈયાર થાય છે તે લાઈવ જોવા મળે છે. પોંકની માનીતી વાનગીઓ ખાવા પોંકનું માર્કેટ બરાબર જામ્યું છે.
ઠંડીમાં પૌષ્ટિક આહાર : દર વર્ષની જેમ ચાલુ વરસે પણ ગુલાબી ઠંડી શરુ થતાં જ શહેરમાં ઠંડીમાં પૌષ્ટિક આહાર તરીકે મનાતા ‘ પોંક ’નું સુરતમાં આગમન થયું છે. શહેરમાં શિયાળાની સિઝન ધીરેધીરે જામવાની સાથે જ વ્હેલી સવારે ફૂલગુલાબી ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. શિયાળો શરુ થતાં શહેરના પોંક બજારો પોંક રસિયાઓથી ઊભરાઇ રહ્યા છે. સુરત સરદાર બ્રિજ નજીક પોંક નગરીમાં સ્પેશિયલ પોંક તૈયાર કરવામાં આવી રહ્યો છે.
પોંકની રાહ જોવાય છે : માત્ર દક્ષિણ ગુજરાતમાં નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી પોંકનું વેચાણ થાય છે. ખાસ સુરત જિલ્લામાં જુવારના પાકનો પૌંક તૈયાર થાય છે. આ વખતે આ પોંકનો ભાવ કિલોના રૂપિયા 700 છે. જે જેમ જેમ ઠંડીનો ચમકારો વધે તેમતેમ તેના ભાવો પણ વધશે. સુરત અને બારડોલીમાં આ પોંકની દુકાનોની સંખ્યા પણ વધી જશે. પોંક ખાવા માટે પોંક રસિયા સુરતીઓ એક વર્ષ સુધી રાહ જોતા હોય છે. બજારમાં પોંક આવતા તેઓ અતિ ઉત્સાહિત હોવા મળે છે.
પ્રક્રિયા લાઈવ લોકોને જોવા મળે : સુરતની આ પોંકનગરીમાં માત્ર પોંક વડા, પેટીસની મજા જ નહીં પરંતુ જુવારના ડૂડાંને કાપી તેને ભઠ્ઠીમાં નજીવી ગરમી આપતા જ પૌંક તૈયાર થઇ જાય છે તે પ્રક્રિયા લાઈવ જોવા મળે છે. જુવારના ડૂડાંમાંથી પોંકનો દાણો વેડફાય ન જાય તે માટે એક કાપડની મોટી કોથળીમાં તેને એક લાકડી વડે ઝાટકવામાં આવે છે. તેથી દાણા કોથળીમાં એકઠા થાય છે પોંકના દાણાને સૂપડાથી અલગ તારવી તેનું વેચાણ કરવામાં આવે છે. પોક પાડવા માટે આદિવાસી વિસ્તારમાંથી ખાસ તાલીમ પામેલા કારીગરો સહપરિવાર સુરતમાં આવે છે. આ કારીગરો કલાકો મહેનત કરે છે.
આરોગ્ય માટે લાભદાયક પોંક : સુરતની શાન પોંકની વાની ખાવા દેશભરમાંથી લોકો સુરતમાં આવે છે. સુરતમાંથી આંધળી વાનીનો પોંક દેશભરમાં મોકલવામાં આવે છે. તેને બોઇલ કરી ખાઇ શકાય છે. એનઆરઆઇ આ સૂકા પોંક ઉપર વધુ પસંદગી ઉતારે છે. આરોગ્ય માટે લાભદાયક પોંક લેવા માટે લોકો પડાપડી કરે છે. જો કે લીલા પોંક કરતા સૂકા પોંકની કિંમત આ વખતે વધારવામાં આવી નથી. પોંકના ભાવ ઘટતા લોકો સુરતી પોંકની લિજ્જત માણી રહ્યાં છે. તેમજ શહેરમાં ઠેરઠેર પોંક અને પોંકની વાનગીના સ્ટોલ પણ લાગી ગયા છે. લોકો લીંબુ-મરી સેવ, લસણ સેવ, લાલ મરચાની સેવ અને સાદી સેવ સાથે પોંકની લિજ્જત માણી રહ્યા છે. પોંક સાથે ખાવાની સેવ સ્પેશિયલ કારીગરો દ્વારા બનાવવામાં આવે છે.
હું ન્યૂ જર્સીથી આવેલ છું. ખાસ અહીં પોક માટે આવ્યાં છીએ. પોંકનગરીમાં પ્રવેશ કરતા જ અમારા જે આદિવાસી ભાઈબહેનો છે. આ પોંક બનાવે છે અને જે રીતે સેકી રહ્યા છે એ જોવું ખરેખર ખૂબ જ સુંદર છે. જેનો વિડીયો પણ ઉતાર્યો અને આ હું વિદેશમાં મોકલીશ. પહેલીવાર આ બધું લાઈવ જોયું છે કે કઇ રીતે પોંંક આવે છે અને કઈ રીતે આ લોકો બનાવે છે...રંજન કડકિયા (પોંકના ચાહક, અમેરિકા )
પોંક બનાવવાનું લાઈવ ડેમોસ્ટ્રેશન : વિપુલભાઈએ જણાવ્યું હતું કે, હું સુરતમાં છેલ્લા 25 વર્ષથી રહું છું. આવી છે પોંકનગરી એક બહુ ફેમસ જગ્યા છે. ત્યાં પોંક ખરેખર લાઈવ કઈ રીતે બને એ જોવા મળે છે. પોંક ઢૂંઢવામાંથી કઈ રીતે બને તેનું લાઈવ ડેમોસ્ટ્રેશન જોવાની ખૂબ જ મજા આવે છે. જેના વિડીયો પણ અમે ઉતારીને ફોરેનમાં અમારા જે મિત્રો છે. એમને મોકલીએ છીએ એ લોકો પણ ખૂબ જ ખુશ થાય છે. અત્યારે થોડું માવઠાના કારણે પોંક હોય એના કરતાં થોડો કડક છે, પણ આ એક અઠવાડિયા પછી ઓરીજનલ પોક ખાવા મળશે.
ચાર પાંચ જાતની વેરાયટી : પોંક વિક્રેતા લીલાબેને જણાવ્યું હતું કે અમે બહુ વર્ષથી અહીં પોંકનું વેચાણ કરીએ છીએ. પહેલાં મારા મમ્મી અને તેમના પહેલાં તેમની મમ્મી ચલાવતા હતાં. હવે એ પછી અમે આવ્યાં એટલે ત્રણ ચાર પેઢી થઈ ગઈ છે. મારો દીકરો પણ અહીંયા જ ચલાવે છે. ચાર પાંચ જાતની વેરાયટી મળે છે. સેવ અને લીલો પોંક પડે છે અને અડાજણ, ભાઠ્ઠા, હજીરા સુધી અમે માલ લઈ આવીએ છીએ. 500થી પણ વઘુ કારીગરો પોંક બનાવવાનું કામ કરે છે.