સુરત : સુરતમાં આજરોજ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલની ઓફિસે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ મીટિંગમાં આદિજાતિ પ્રધાન કુંવરજી હળપતિ પણ આવ્યા હતાં. જોકે ગઈકાલે પણ તાપી જિલ્લાના વ્યારા ખાતેની સર્કિટ હાઉસમાં આદિજાતિપ્રધાન કુંવરજી હળપતિએ આદિવાસી આગેવાનો સાથે બેઠકનું આયોજન કરાયું હતું જેમાં વિવાદ સર્જાયો હતો.
શું બન્યું હતું : વ્યારાની જનરલ હોસ્પિટલ તેમજ આદિવાસીઓના અન્ય પ્રશ્નોને લઇને ચર્ચા કરવા માટે આદિવાસી આગેવાનો એકત્રિત થયા હતાં. તે દરમિયાન રાજ્યના આદિજાતિ પ્રધાન કુંવરજી હળપતિને આદિવાસી નેતા લાલસિંગભાઇ ગામીતે આંદોલન કચડવા બાબતે આક્ષેપો કરતાં રાજ્યના આદિજાતિ પ્રધાન અકળાયા હતાં અને ટેબલ ઠોકીને ચાલ્યાં ગયાં હતાં.
આજે કર્યો ખુલાસો : ત્યારે આજે આ બાબતે રાજ્યના આદિજાતિ પ્રધાન કુંવરજી હળપતિએ જણાવ્યું કે, ગઈકાલના વિરોધ બાબત હું સ્પષ્ટ કહેવા માગું છું કે, જે આદિવાસી સમાજના લોકો સાથે મારી મીટિંગ હતી તે મીટિંગ વ્યારા સર્કિટ હાઉસ ખાતે રાખવામાં આવી હતી. હું ગયા પછી ત્યાંના જે આદિવાસી સમાજના આગેવાનો હતાં તેઓ ગુમરાહ કરતા લોકો હતાં. પછી તે દિલીપ ગામીત હોય દમયંતી પટેલ હોય કે પછી લાલસીંગ ચૌધરી હોય કે પછી જયરામ સાવણયા હોય.
આ તમામ લોકો આદિવાસી સમાજના લોકોને ઉશ્કેરણીનું કાર્ય કરી પોતાનો રોટલો શેકવાનું કામ કરી રહ્યા છે. આ વાત સ્પષ્ટ છે કે, પીપી ધોરણ પ્રોજેક્ટ પ્રમાણે હોસ્પિટલ આવશે ત્યારે 100 બેડ હોસ્પિટલની જગ્યાએ 300 બેડની હોસ્પિટલનો લાભ મળશે. ત્યારબાદ વ્યારાના આરોગ્ય કેન્દ્રની ઉપર જ મેડિકલ કોલેજ બનવાની છે. મેડિકલ કોલેજની અંદર આદિવાસી સમાજને કોઈપણ જાતની ફી ભર્યા વગર પ્રવેશ મળશે. જે પ્રવેશ મેરીટના આધારે મળશે અને બે લાખના મર્યાદામાં મળશે. જેમાં ખાસ કરીને ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને અભિનંદન આપું છું કે, આદિવાસી સમાજ માટે તેઓએ જે પગલાં લીધા છે. તેઓએ ચાલુ વર્ષે બજેટમાં 3410 જેટલાં કરોડોની રકમ આઝાદીના ઇતિહાસમાં પહેલી વખત આપી છે... કુંવરજી હળપતિ ( આદિજાતિ પ્રધાન )
માત્ર છ સેકન્ડનો વિડીયો બતાવવામાં આવ્યો : આદિજાતિ પ્રધાને તે કારણ પણ જણાવ્યું હતું કે તેઓ શા માટે ચાલ્યાં ગયાં હતાં. તેમણે જણાવ્યું કે મારે ગઈકાલે બે મુદ્દા ઉપર સંઘર્ષ થયો હતો. ગઈકાલે સામે તરફથી મને એમ કહેવામાં આવ્યું હતું કે તમે ગુજરાત સરકારના ચમચા છો. ગુજરાત સરકારના ગુલામ છો.આવા શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો હતો.જે શબ્દો દિલીપ દોડસાવાળાને મોઢે શોભતા નથી. તેને કારણે મેં ટેબલ ઠોકીને ઊભો થઈ ગયો હતો. એમની સાથે વાત કરવા કે પછી વિવાદ કરવા ગયો ન હતો. હું એમની સાથે જે સમસ્યાઓ છે તેના નિરાકરણ માટે ગયો હતો. મેં પોઝિટિવ વાત મૂકી હતી, પરંતુ મારે કહેવું જોઈએ કે, મારા શરૂઆતનો જો વિડીયો છે કે કાપીને માત્ર છ સેકન્ડનો વિડીયો ટીવી ઉપર બતાવવામાં આવ્યો છે.
મને તમામ આદિવાસીએ જીતાડ્યો છે : તેમણે વધુમાં જણાવ્યું કે, હું 110 ટકા આદિવાસી સમાજનો નીડર નેતા છું અને હું હળપતિ સમાજમાંથી આવું છું. મારી કોટવાળી, ચૌધરી, ગામતી, વસાવા સમાજ હોય આ બધા જ લોકો મને મત આપ્યા છે. તમે જોયું હશે કે વિધાનસભાની ચૂંટણીમાં મારા સમાજના માત્ર 7000 મત તેમ છતાં હું 19000 મતથી જીતીને આવ્યો છું. મને આદિવાસી સમાજના લોકોએ જીતાડ્યો છે. આદિવાસી સમાજને સાચવવો તેઓને વિકાસ કરવો એ મારી પહેલી ફરજ છે.