સુરત : સુરત શહેરમાં એક સાથે એક જ વિસ્તારમાં બે વ્યક્તિના અચાનક મોતની ઘટના બની છે. અનુમાન છે કે હાર્ટ એટેકના પગલે મોત થયાં છે. સચીન વિસ્તારના કનકપુર કંસાડ સન લાઈટ હાઇસ્કુલની સામે નર્મદા હાઈટસમાં રહેતા 40 વર્ષીય નૈનાબેન શૈલેષભાઈ રાઠોડ નામના મહિલાનું રાત્રે અચાનક મોત નીપજ્યું હતું. તેની વિગતો જોઇએ તો રાતે 2 વાગ્યેની આસપાસ નૈનાબેનને અચાનક છાતીમાં દુખાવો થવા સાથે શ્વાસ લેવામાં તકલીફ થઇ હતી. તેમને તાત્કાલિક ખાનગી હોસ્પિટલ લઇ જવાયાં જ્યાં ડોક્ટરે તેમને જોઈ તપાસી મૃત જાહેર કર્યાં હતાં.
અચાનક મોતની બીજી ઘટના આ ઘટના પણ સચીન વિસ્તારમાં બની. રેલવે સ્ટેશન પાસે તિલક સોસાયટીમાં રહેતો 27 વર્ષીય વિકાસ જગદીશ લાખલનને વહેલી સવારે શ્વાસ લેવામાં તકલફ થતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે નવી સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો.
મૃત જાહેર કર્યો સુરત નવી સિવિલ હોસ્પિટલમાં જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને જોઈ તપાસી મૃત જાહેર કર્યો હતો. આ બંને વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત થયું છે તેવી હોસ્પિટલ ડોક્ટરો દ્વારા શંકા વ્યક્ત કરવામાં આવી છે. મોતનું સાચું કારણ જાણવા બંને ડેડબોડીને નવી સિવિલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ માટે ખસેડાયાં છે.
નૈનાબેનના પરિવારે શું કહ્યું : આ બાબતે પ્રથમ ઘટનામાં મૃતક નૈનાબેનને કોઈ પ્રકારની બીમારીઓ ન હતી.પરિવારના જણાવ્યા અનુસાર તેઓ રાત્રેે જમ્યા બાદ બહાર થોડું ચાલવા ગયા હતા અને ત્યારબાદ ઘરે આવી સૂઈ ગયા હતાં. રાતે 2 વાગ્યાની આસપાસ તેમણે ભાઇને જગાડ્યો અને કહ્યું કે તેમને છાતીમાં દુખાવો થઇ રહ્યો છે અને શ્વાસ લેવામાં તકલીફ થઇ રહી છે.
બેનને છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ અમારા ઘર નજીકની રામિયા હોસ્પિટલમાં લઇ ગયો હતો. ત્યાં ફરજ પરના ડોક્ટર તેમને જોઈ તપાસી મૃત જાહેર કર્યાં હતાં. ત્યાંથી અમે અહીં નવી સિવિલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ માટે આવ્યા છીએ.હ વે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ બહાર આવી શકશે... રાજેશ (મૃતક નૈનાબેનના ભાઇ)
વિકાસના પરિવારે જણાવી ઘટના : વિકાસ જગદીશ લાખલનના પરિવારે પણ મૃતક દ્વારા છેલ્લે થયેલી વાતચીત અને સ્થિતિ અંગે કંઇક આ પ્રમાણે જ જણાવ્યું હતું. વિકાસે સવારમાં મોટ ભાઈને ઉઠાડ્યો અને તેની પડી રહેલી તકલીફની વાત કરી હતી. તેને એમ્બ્યુલન્સમાં લઇ જતાં હતાં તે સમયે જ તે બેભાન થઇ ગયો હતો.
આજે સવારે 4 વાગ્યાની આસપાસ તેણે મને જગાડીને કહ્યું કેે છાતીમાં દુખાવો થઈ રહ્યો છે. મેં તેને ખુલ્લી હવામાં બહાર મોકલ્યો. થોડીવાર પછી તેણે કહ્યું કે હોસ્પિટલ લઈ જાઓ છાતીમાં ખૂબ જ દુખાવો થઈ રહ્યો છે. જેથી અમે 108 એમ્બ્યુલન્સ મારફતે નવી સિવિલ હોસ્પિટલ લઈને આવ્યા હતાં. પરંતુ વિકાસ એમ્બ્યુલન્સમાં જ બેભાન થઈ ગયો હતો. અહીં સિવિલ હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરે તેમને જોઈ તપાસી મૃત જાહેર કર્યો છે. ડોક્ટરે આશંકા વ્યક્ત કરી છે કે હાર્ટ એટેકના કારણે મોત થયું હોય તેવું કહી શકાય છે. પરંતુ મોતનું સાચું કારણ જાણવા માટે ડેડબોડીને પોસ્ટમોર્ટમ રૂમ ખાતે મોકલવામાં આવી છે... સુભાષ (મૃતક વિકાસનો ભાઇ)
ડોકટરે શું કહ્યું : સચીન વિસ્તારમાંથી રાત્રિ દરમિયાન આ બંને કેસ સુરત નવી સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યાં હતાં. સુરત નવી સિવિલ હોસ્પિટલ ટ્રોમાં સેન્ટરના ફરજ પરના અધિકારીએ આ અંગે જણાવ્યું કે પ્રાથમિક દ્રષ્ટિએ બંને કેસમાં હાર્ટ એટેકની શક્યતાઓ હતી. જેમાં એક કેસમાં પુષ્ટિ થઇ ગઇ છે જ્યારે બીજા કેસમાં કાર્યવાહી ચાલુ છે.
આ બંને ઘટનામાં 40 વર્ષીય નૈનાબેન શૈલેષભાઈ રાઠોડ જેઓનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે અને તેમની હદયના સ્નાયુઓ સંકડાઇ જવાનાં કારણે મોત થયું છે એટલે કે એક રીતે તેમનું મોત હાર્ટ એટેકના કારણે મોત થયું છે. તો બીજા કેસમાં 27 વર્ષીય વિકાસ જગદીશ લાખલન જેઓનું હાલ પોસ્ટમોટમ કરવાનું બાકી છે. પરંતુ પ્રાથમિક દ્રષ્ટિએ તેમનું પણ હાર્ટ એટેકના કારણે મોત થયું છે તેમ લાગી રહ્યું છે. ડોક્ટર ઉમેશ (સુરત નવી સિવિલ હોસ્પિટલ)
મોટી સંખ્યામાં બની રહેલા બનાવ : સુરતમાં છેલ્લા સમયમાં અચાનક છાતીમાં દુખાવો અને શ્વાસ લેવાની તકલીફ બાદ મોત થવાના કિસ્સાઓ અવારનવાર માધ્યમોમાં જોવા મળી રહ્યાં છે. ત્યારે નાની વયમાં આ પ્રકારના મોતને લઇને તબીબીજગતમાં પણ ચિતા ફેલાઇ છે.