જુનાગઢ: આજે નવા વર્ષના પ્રથમ દિવસે એક સાથે પાંચ વ્યક્તિને જીવતદાન મળવા જઈ રહ્યું છે. જેનો શ્રેય આજે જુનાગઢ લઈ રહ્યું છે. જૂનાગઢમાં રહેતા અને પાછલા રવિવારે અકસ્માતે ઘરમાં પડી જતા શીલાબેન ચાંચડીયા નામના મહિલા બ્રેન ડેડ થયા હતા. ત્રણ દિવસની સારવાર બાદ આજે પરિવારજનો દ્વારા મૃતક મહિલાના હૃદય ફેફસા કિડની લીવર અને આંખનું દાન આપવામાં આવતા શીલાબેનના અંગો આજે પાંચ વ્યક્તિને જીવનદાન આપવા જઈ રહ્યા છે. એક તરફ પરિવારના સભ્યોના અવસાનનું દુઃખ છે, તો બીજી તરફ એ જ વ્યક્તિના આંતરિક અંગોથી પાંચ વ્યક્તિને જીવનદાન મળી રહ્યું છે જેની ખુશી પણ જોવા મળે છે.
નવા વર્ષે એક સાથે પાંચ વ્યક્તિને મળશે જીવતદાન
અંગ્રેજી વર્ષ આજે પૂરું થઈ રહ્યું છે. આવતી કાલથી વર્ષ 2025 નો સૂર્યોદય થશે તે પૂર્વે જૂનાગઢના શીલાબેન ચાચડીયા નામના મહિલાના અંગોનું દાન મેળવનાર પાંચ વ્યક્તિ જીવન મેળવી રહ્યા છે. જેનું ગર્વ આજે જુનાગઢ લઈ રહ્યું છે. ઝાંઝરડા રોડ વિસ્તારમાં રહેતા શીલાબેન ચાંચડીયા રવિવારે અકસ્માતે તેમના ઘરમાં પડી ગયા હતા. ત્યારબાદ તેમને હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તબીબોએ તેમને બ્રેન ડેડ જાહેર કર્યા હતા. ત્યારબાદ શીલાબેન ચાચડિયાના પરિવારજનો દ્વારા તેમના આંતરિક અંગોનું દાન કરવાનો નિર્ણય કરવામાં આવતા આજે જૂનાગઢની રિબર્થ હોસ્પિટલમાં શીલાબેન ચાચડિયાના હૃદય, ફેફસા, કિડની, લીવર અને આંખોનું દાન કરીને એક સાથે પાંચ વ્યક્તિને જીવનદાન આપવાનો ખૂબ જ ઉમદા પ્રયાસ કરાયો છે આજે ગ્રીન કોરિડોર મારફતે શીલાબેન ચાંચડીયાના તમામ આંતરિક અંગો હવાઈ માર્ગે અમદાવાદ પહોંચાડવામાં આવી રહ્યા છે જ્યાં જે તે વ્યક્તિ પર તેનુ પ્રત્યારોપણ કરીને તેને નવજીવન આપવામાં આવશે.
અમદાવાદની ત્રણ હોસ્પિટલોમાં અંગોનું દાન
બ્રેન ડેડ થયેલા શીલાબેન ચાચડીયાના હૃદય, ફેફસા, કિડની, લીવર અને આંખોનું દાન કરવામાં આવ્યું છે. જેમાં હૃદય યુએન મહેતા હોસ્પિટલમાં પ્રથમ એર એમ્બ્યુલન્સ મારફતે મોકલવામાં આવ્યું છે, ત્યારબાદ અમદાવાદની સીમ્સ હોસ્પિટલમાં ફેફસાના પ્રત્યારોપણ માટે તેને મોકલવામાં આવી રહ્યા છે. વધુમાં અમદાવાદની જ આઈ.કે.ડી. હોસ્પિટલમાં લીવર અને કિડનીનું દાન કરવામાં આવ્યું છે. હૃદય અને ફેફસા એર એમ્બ્યુલન્સમાં મારફતે અમદાવાદ જશે તો લીવર અને કિડની ગ્રીન કોરિડોર મારફતે જુનાગઢથી રોડ માર્ગે અમદાવાદ સુધી પહોંચશે. હૃદય અને ફેફસા ચાર કલાકમાં જે તે દર્દીમાં પ્રત્યારોપણ કરવું આવશ્યક હોય છે. જેથી તેને એર એમ્બ્યુલન્સનો સહારો લઈને અમદાવાદ પહોંચાડવામાં આવી રહ્યા છે.
શીલાબેનના પરિવારજનોએ દુઃખની સાથે ખુશી કરી વ્યક્ત
આજે જુનાગઢની હોસ્પિટલ હર્ષ અને દુઃખના આંસુથી છલકાયેલી પણ જોવા મળતી હતી. એક તરફ શીલાબેનનું અવસાન થતાં તેના પરિવારજનો દુઃખમાં જોવા મળતા હતા પરંતુ સાથે સાથે શીલાબેનના આંતરિક અંગોથી આજે પાંચ વ્યક્તિને નવજીવન મળવા જઈ રહ્યું છે, જેની ખુશી પણ હતી. શીલાબેનના માતા પિતા અને સાસુ-સસરાના પક્ષ તરફથી સર્વાનુમતે અંગદાન કરવાનો નિર્ણય કરાયો. ત્યારબાદ જૂનાગઢની રિબર્થ હોસ્પિટલ દ્વારા આંતરિક અંગોની જરૂરિયાત વાળા દર્દીઓની શોધ કરીને તેમની જરૂરિયાત અનુસાર તેમના આંતરિક અંગોને આજે દાન કરવાની તબીબી પ્રક્રિયા છે તે પૂર્ણ કરી હતી.