સુરત : સુરતમાં દોઢ વર્ષના બાળકની શ્વાસનળીમાં ચીકુનું બીજ ફસાઈ જતા મોત થવાની ઘટના સામે આવી છે. બાળકે ચીકુ ખાઈ લેતા તેનું બીજ શ્વાસનળીમાં ફસાઈ જતા બેભાન થઇ ગયો હતો અને હોસ્પિટલ લઈ જવાતા ફરજ પરના ડોક્ટરે તબીબી તપાસ બાદ બાળકને મૃત જાહેર કર્યો હતો.
કૈલાસનગરમાં બની ઘટના : સુરત શહેરના ઉધના વિસ્તારમાં આવેલ કૈલાસનગર પાસે રહેતા 32 વર્ષીય સંતોષ નાયક જેઓ સંચાના કારખાનામાં કામ કરી પોતાનું પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમને બે સંતાનો છે. જેમાં એક 7 વર્ષની પુત્રી અને બીજો દોઢ વર્ષનો બાળક રીસી સંતોષ નાયક હતાં. બાળક રીસીએ ગઈકાલે બપોરે ચીકુ ખાધું હતું અને તેમાં ચીકુનું બીજ હતું તે ગળી ગયો હતો. બીજ શ્વાસનળીમાં ફસાઈ જતાં રીસી બેભાન થઈ ગયો હતો.
બુધવારે બપોરે બની ઘટના : દોઢ વર્ષના બાળક સાથે બનેલી ઘટના બાબતે મૃત બાળકના પિતા સંતોષ નાયકે જણાવ્યું હતું કે ગઈકાલે બુધવારે બપોરે 3:00 વાગ્યાની આસપાસ મારા છોકરાએ ચીકુ લઈને ખાઈ લીધું હતું. તે ચીકુનું જે બીજ હતું તે તેના ગળામાં ફસાઈ ગયું હતું. તેને બાજુની હોસ્પિટલમાં લઈ ગયા હતા. તે દોઢ વર્ષનો હતો.શ્વાસનળીમાં બીજ ફસાઈ જતા શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી.
હું લોકોને કહેવા માંગીશ કે લોકો પોતાના સંતાનોને જે પણ વસ્તુ ખાવા માટે આપે તો ધ્યાનથી આપો નહીં તો મારા છોકરા જેવું થશે. હોસ્પિટલમાં લઈ ગયા હતાં ત્યાં ફરજ પરના ડોક્ટરે જોઈ તપાસી મૃત જાહેર કર્યો હતો. તેની માતા બહાર બેઠી હતી અને છોકરાએ ચીકુ ખાઈ લીધું હતું...સંતોષ નાયક (બાળકના પિતા)
ઉધના પોલીસે તપાસ હાથ ધરી : બાળકની શ્વાસનળીમાં ફસાયેલા બીજને લઇને બેશુદ્ધ બાળકને તરત સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જોકે બાળકની હાલત ન સુધરતાં વધુ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે બાળકને જોઈ તપાસી મૃત જાહેર કર્યો હતો. હાલ આ મામલે ઉધના પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
મૃત હાલતમાં લાવવામાં આવ્યો : આ બાબતે નવી સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડો.ગણેશ ગોવેકરે જણાવ્યું હતું કે, ગઈકાલે અમારે ત્યાં એક છોકરો આવ્યો હતો કે જ ચીકુ ખાઈ રહ્યો હતો અને તે ચીકુનું બીજ તેના શ્વાસ નળીમાં ફસાઈ ગયું હતું. જેથી તેને સારવાર માટે અહીં હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. આ ગઈકાલે બપોરની ઘટના છે પરંતુ જ્યારે બાળકને હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો ત્યારે તેને મૃત હાલતમાં લાવવામાં આવ્યો હતો.
બાળકનું મોત શ્વાસ નળીમાં બીજ ફસાઈ જવાના કારણે થયું છે. કારણ કે શ્વાસ નળીમાં કોઈ વસ્તુ ફસાઈ જાય તો તેની નળીઓ સંકોચાઈ જાય છે. અને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. ડો.ગણેશ ગોવેકરે (સુપરિન્ટેન્ડન્ટ, નવી સિવિલ હોસ્પિટલ)
ડોક્ટરે જણાવી ઇલાજની પદ્ધતિ : તેમણે વધુમાં જણાવ્યું કે આ હોસ્પિટલમાં આવા પ્રકારના કેસ આવે ત્યારે સૌપ્રથમ વખત જોવામાં આવે છે કે જેતે બીજ શ્વાસનળી કાતો પછી અન્નનળીમાં ફસાયું છે. અન્નનળીમાં હોય તો તેને ઇન્ડોસ્કોપથી બહાર કાઢી શકાય છે. પરંતુ ઇન્ડોસ્કોપ નાખવા માટે જેતે પેશન્ટને બેભાન કરવું પડે છે. તો એની માટે પણ ચેકઅપ કરવામાં આવે છે કે તે વ્યક્તિ તૈયાર છેકે નહીં તેઓની કોઈ બીમારી તો નથી એમ તપાસ કરીને ઇલાજ કરવામાં આવે છે.