સુરત : વર્ષ 2019માં એક બેરોજગાર અને દારૂડિયા પિતાએ નિદ્રાધીન પત્ની, પુત્ર અને બે પુત્રી ઉપર એસિડ હુમલો કર્યો હતો. પત્નીનું મોત નીપજ્યું હતું અને ત્રણેય બાળકો ગંભીર રીતે એસિડ એટેકના કારણે દાઝી ગયા હતાં. આર્થિક સંકડામણમાંથી પસાર થઈ રહેલા પરિવારના બાળકો માટે જાણે આભ તૂટી પડ્યું હતું. આવી પરિસ્થિતિમાં સુરતની જનતાએ તેમને સાથ આપ્યો હતો. મીડિયાના માધ્યમથી જ્યારે તેમની પરિસ્થિતિ લોકોએ જાણી ત્યારે એક વર્ષની અંદર 1 કરોડ 7 લાખ રૂપિયા તેમના એકાઉન્ટમાં નાખ્યા છે અને આ માટે ખાસ ઝૂંબેશ સુરતના સમાજસેવિકા અને એડવોકેટ પ્રતિભા દેસાઈએ શરૂ કરી હતી.
હું એક કેસ માટે તે વિસ્તારમાં ગઈ હતી. ત્યારે ખબર પડી કે પરિવારના બાળકો સાથે આ દુઃખદ ઘટના બની છે. તેમને ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની સમસ્યા ન થાય આ માટે હું અનેક એનજીઓ સાથે સંપર્કમાં આવી અને સોશિયલ મીડિયામાં પણ આ ઝૂંબેશ ચલાવી હતી જેથી તેમને લોકો મદદ કરી શકે. આ મદદ સિવાય આ ત્રણેયની જે પ્લાસ્ટિક સર્જરી થશે તે ખર્ચ હું ઉઠાવીશ...પ્રતિભા દેસાઈ(એડવોકેટ)
2019ની એસિડ એટેકની કરુણ ઘટના : સુરત એક એવું શહેર છે, જે હંમેશાથી લોકોને સમસ્યામાં આગળ આવીને ખભેખભો મેળવીને હંમેશા સાથ આપે છે, આવી જ એક ઘટના ફરી સુરત શહેરમાં જોવા મળી છે. 8 ઓગસ્ટ 2019 ના રોજ સુરત શહેરના નવાગામ વિસ્તાર ખાતે રહેતા છગન વાડાએ પોતાની બે દીકરી એક દીકરા અને પત્ની પર એસિડ અટેક કરતાં તેઓ ગંભીર રીતે દાઝી ગયા હતાં. પત્નીનું કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે પુત્ર ભાર્ગવ, દીકરી પ્રવીણા અને અન્ય એક દીકરી અલ્પા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ ગયા હતાં. દીકરી પ્રવીણા એટલી હદે દાઝી ગઈ હતી કે તેણે પોતાની આંખ પણ ગુમાવી દીધી છે. જ્યારે ભાર્ગવ એમબીબીએસનું ભણતર કરી રહ્યો હતો, પણ તે પણ ગંભીર રીતે દાઝી ગયો હતો. એમબીબીએસના છેલ્લા વર્ષમાં હતો એવામાં ભાર્ગવે આવી વિકટ પરિસ્થિતિમાં પોતાનું એમબીબીએસ પૂર્ણ કર્યું છે અને હાલ નોકરી કરી રહ્યો છે.
પિતાના હાથે જ પરિવાર સંકટમાં મૂકાયો : આર્થિક સંકળામણના કારણે દારૂડિયા પિતાએ નિદ્રાધીન પત્ની અને પોતાના બાળકો ઉપર એસિડ અટેક કર્યો હતો. એની બંને પુત્રી ઘરમાં સાડીમાં ટીકા લગાવવાનું જોબ વર્ક કરતી હતી. જેથી પરિવારનું ગુજરાન ચાલતું હતું અને પુત્ર હોસ્પિટલમાં એમબીબીએસના છેલ્લા વર્ષમાં હતો. પિતા અવારનવાર દારૂ પીવા માટે પૈસાની માંગણી કરતો હતો અને ઝઘડો કરતો હતો. ઘટના બન્યા બાદ પરિવાર શારીરિક અને માનસિક રીતે તૂટી ગયો હતો. કારણ કે બાળકોએ એસિડ એટેકની ઘટનામાં પોતાની માતાને પણ ગુમાવી દીધા હતાં. પરિવાર કઈ રીતે ચાલશે કઈ રીતે આર્થિક સંકડામણની સ્થિતિને દૂર કરશે આ તમામ બાબતોને લઈ ત્રણેય બાળકો ચિંતામાં હતાં.
સોશિયલ મીડિયાના માધ્યમથી વકીલની મદદની અપીલ : આવી પરિસ્થિતિમાં એક વર્ષ પહેલા સુરતની સમાજ સેવિકા અને વકીલ પ્રતિભા દેસાઈએ પરિવારની વ્યથા જાણી સોશિયલ મીડિયાના માધ્યમથી તેમને મદદ કરવા માટે અપીલ કરી હતી. પ્રતિભા દેસાઈએ તમામ એનજીઓને સંપર્ક કરી તેમને મદદ કરવા માટે તેમના જ બેન્ક એકાઉન્ટની ડીટેઇલ આપી હતી. એક વર્ષમાં ચાલેલી આ ઝૂંબેશના કારણે પરિવારના ત્રણેય ભાઈબહેનોને સુરતના લોકોએ મદદ કરી છે અને હાલ 1 કરોડ 7 લાખ રૂપિયા મદદરૂપે તેમના એકાઉન્ટમાં જમા થઈ ગયા છે.