સુરતઃ કતારગામ સ્વિમિંગ પૂલની વાર્ષિક ફીઝમાં મનપાએ તોતિંગ વધારો ઝીંક્યો છે. વાર્ષિક ફી રૂ. 2500માંથી રૂ.4500 કરી દીધી છે. આ ફી વધારાનો સ્વિમિંગ પૂલમાં નિયમિત આવતા સ્વિમર્સે વિરોધ નોંધાવ્યો છે.
દરેક ઉંમરના સ્વિમર્સને તકલીફઃ કતાર ગામ સ્વિમિંગ પૂલમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, સીનિયર સિટિઝન્સ પણ આવે છે. તેમણે આ ભાવ વધારા સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. ફી વધારાને પરિણામે અનેક મેમ્બર્સે સ્વિમિંગ પૂલમાં આવવાનું બંધ કરી દીધું છે. ફી વધારા ઉપરાંત મનપાએ દર શનિવાર અને રવિવારે સ્વિમિંગ પૂલ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયને સ્વિમર્સ બદલવાની માંગણી કરી રહ્યા છે.
શનિ રવિ રજાનો વિરોધઃ અન્ય દેશોમાં સ્વિમિંગની સુવિધા નાગરિકોને ફ્રીમાં પૂરી પાડવામાં આવે છે. આ ઉપરાંત વીમો પણ સ્વિમર્સને ફ્રીમાં આપવામાં આવે છે. તો આપણા દેશમાં ફી ચૂકવીને પણ સ્વિમિંગની યોગ્ય સુવિધાઓ પ્રાપ્ત થતી નથી. અવારનવાર મનપા દ્વારા ભાવ વધારો કરવામાં આવે છે અને શનિ રવિ જેવા દિવસોએ સ્વિમિંગ પૂલ બંધ રાખવાનો કઢંગો નિર્ણય કરાયો છે. વીકેન્ડમાં સ્વિમિંગ પૂલમાં સ્વિમર્સ વધુ સંખ્યામાં આવતા હોવાથી શનિ રવિ પણ સ્વિમિંગ પૂલ ચાલુ રાખવામાં આવે તેવો સ્વિમર્સનો મત છે.
હું છેલ્લા 25 વર્ષથી આ સ્વિમિંગ પૂલમાં નિયમિત આવું છું. સૌપ્રથમ વખત અમે વાર્ષિક ફી 150 ભરી હતી. ત્યારબાદ વાર્ષિક ફી 2500 સુધી અમે અહીં સ્વિમિંગ કરતા આવ્યા છીએ. હવે આ ફીમાં 4500 રૂપિયા કરી દેવાઈ છે. આ ફી અમે ભરી શકીએ તેમ નથી. અન્ય દેશોમાં સ્વિમિંગ પૂલની સુવિધા નાગરિકોને ફ્રીમાં પૂરી પાડવામાં આવે છે...મુકેશ કાપડિયા (રેગ્યુલર સ્વિમર, સુરત)
છેલ્લા એક મહિનાથી પાલિકા દ્વારા એકાએક ફીમાં વધારો કરવામાં આવ્યો છે. તેમજ શનિ રવિની રજા આપવામાં આવી છે. આ રજાનો કોઈ મતલબ નથી. પાલિકા દ્વારા જે પ્રકારે ફીમાં વધારો કરવામાં આવ્યો છે તેના કારણે ઘણા મેમ્બર્સ છોડીને જતા પણ રહ્યા છે...નયન પચીગર (રેગ્યુલર સ્વિમર, સુરત)