સુરત : મહુવા તાલુકાના ઓંડચ ગામમાંથી પસાર થતી પુરના નદીનું વહેણ બદલાતા ગામના 6 ખેડૂતોની પંદર વીઘા જેટલી જમીનનું ધોવાણ થઈ ગયું છે. નદીમાં બનાવવામાં આવેલા ચેકડેમને કારણે આ સ્થિતિ સર્જાય હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે. ચેકડેમ બનાવવાને કારણે પાણી ઘેરાવાથી સેફટી વોલ તૂટી અને પાણીની પ્રવાહ બદલાયો છે. જો કે તંત્ર હજી પણ આ બાબતે ગંભીર ન હોય આગામી દિવસોમાં જમીનનું વધુ ધોવાણ થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ચેકડેમ બનાવવાનું કામ : બે વર્ષ અગાઉ જે સમયે આ ચેકડેમ બનવાની શરૂ થયું, ત્યારે ખેડૂતોને એવી આશા હતી કે, ચેકડેમમાં પાણીનો સંગ્રહ થશે અને ખેડૂતો તેમજ આજુબાજુના ગ્રામજનો માટે આ ચેકડેમ આશીર્વાદરૂપ બનશે, પરંતુ આ ચેકડેમને કારણે ખેડૂતોની મહામૂલી જમીનનું ધોવાણ થઈ ગયું છે.
સમયસર કામગીરી : વ્યારા ડ્રેનેજ વિભાગની કચેરી અંતર્ગત આ ચેકડેમની કામગીરીનો પ્રારંભ થયો હતો. યોગ્ય આયોજન વગર ચેકડેમનું કામ શરૂ થયું હતું. સમયસર કામગીરી પૂર્ણ કરવામાં આવી ન હતી. ચેકડેમ બની ગયા બાદ સમયસર પ્રોટેક્શન વોલની કામગીરી પૂર્ણ કરવાની હતી, પરંતુ તે પૂર્ણ થઈ ન હતી. પરિણામે આ ચેકડેમ ખેડૂતો માટે આફતરૂપ બન્યો હતો.
તંત્ર ગંભીર નથી : હાલમાં સ્થાનિકોના જણાવ્યા મુજબ મહુવા તાલુકાનાં સર્વે નંબર 310, 311, 312, 313, 314, 315ના ખેડૂતોની જમીન નદીના પટમાં ગરકાવ થઈ ગઈ છે. જેમાં મુખ્ય ખેડૂત અતુલ નાયકની દસ વીઘા જમીન છેલ્લા બે વર્ષ દરમિયાન પાણીમાં ગરકાવ થઈ છે. જમીનનું ધોવાણ હજી પણ ચાલુ જ છે. દોઢ કરોડના ચેકડેમે અંદાજે દસ કરોડ જેટલી હાલ બજાર કિમતની જમીનનું ધોવાણ કરી નાખ્યું છે. આ ગંભીર ઘટના હોવા છતાં કોઈ જવાબદાર અધિકારી આ બાબતે ગંભીરતા દાખવી નથી. માત્ર મામલતદારે સ્થળ મુલાકાત લીધી છે, જો કે હજી સુધી યોગ્ય રિપોર્ટ કે તપાસ શરૂ કરવામાં આવી નથી. પરિસ્થિતીની ગંભીરતા ધ્યાનમાં નહીં લેવાય તો જે રીતે નદી પોતાનું વહેણ બદલી રહી છે. તે જોતાં આગામી દિવસમાં ગામ તરફ વળે તો નવાઈ નહીં.
ચેકડેમ બન્યા બાદ બે વર્ષથી નદીનો પ્રવાહ બદલાયો છે. ગયા વર્ષે જમીનનું થોડું ધોવાણ થયું હતું, ત્યારે પણ સર્વે કરાવી સરકારને જાણ કરી હતી. આ વખતે ફરી વખત ધોવાણ થયું છે. ચેકડેમનું કામ પૂર્ણ થયા બાદ આ ધોવાણ થયું છે. આ અંગે તંત્રને લેખિતમાં જાણ કરી છે. અંદાજિત 15થી 17 વિંઘા જમીનનું ધોવાણ થતાં કરોડોનું નુકસાન થયું છે. પ્રોટેક્શન વોલ તૂટી જવાથી આ સ્થિતિ સર્જાય છે. - વિપુલ પટેલ (સરપંચ)
તપાસ માટે રિપોર્ટ : મહુવા મામલતદાર એચ.એ.શેખે જણાવ્યુ હતું કે, અમે સ્થળની મુલાકાત કરી છે. આ બાબતે યોગ્ય તપાસ માટે રિપોર્ટ મોકલવામાં આવ્યો છે. સલામતીના ભાગ રૂપે હાલ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
15 વિંઘાથી વધુનું ધોવાણ : આ અંગે અસરગ્રસ્ત ખેડૂત અતુલ નાયકે જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં 15 વિંઘાથી વધુનું ધોવાણ થયું છે. આ અંગે અમે સરકારમાં રજુઆત કરી છે. યોગ્ય વળતર આપવામાં આવે તેમજ જે જમીનનું ધોવાણ થયું છે ત્યાં માટી પુરાણ કરી સંરક્ષણ દીવાલ બનાવી આપવામાં આવે તો વધુ ધોવાણ અટકી શકે.