જુનાગઢ: જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી માટેનું મતદાન યોજાયું. ત્યારે મૂળ રાજસ્થાનના અને છેલ્લાં 75 વર્ષથી જૂનાગઢમાં સ્થાયી થયેલા ગાંધી પરિવારના નિર્મળાબેન ગાંધી ભારત વર્ષના એક એવા મતદાર છે કે, જેમણે 1947 બાદ થયેલી તમામ ચૂંટણીઓમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહીને જીવંત રાખવાની સાથે તેને આગળ વધારવામાં મદદ કરી છે.
નિર્મલાબેન ગાંધી આજે 101 વર્ષની વયે પણ મતદાન કરવાના આ અમૂલ્ય અવસરને ચૂકતા નથી, તેમણે આજે પણ મહાનગર પાલિકામાં પોતાનો મત આપીને લોકશાહીના પર્વની ઉજવણી કરી હતી.
1947 પછીની તમામ ચૂંટણીઓમાં મત આપનાર અનોખા મતદાર
નિર્મલાબેન ગાંધી એક એવા મતદારનું નામ છે કે, જેમણે 1975 બાદ થયેલી તમામ ચૂંટણીમાં તેમના મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહીને જીવંત રાખી છે. મૂળ રાજસ્થાનના પરંતુ છેલ્લાં 75 વર્ષથી જૂનાગઢમાં સ્થાયી થયેલા વણિક પરિવારના નિર્મળાબેન ગાંધી લોકશાહીના આ અમૂલ્ય અવસરને 1947 પછી સતત ઉજવતા આવ્યા છે.

લોકસભાની ચૂંટણી હોય કે, વિધાનસભાની ચૂંટણી હોય કે, પછી પાલિકા કે નગરપાલિકા, નિર્મલાબેન ગાંધી મતદાર તરીકે અચુક પોતાનો મત આપવાનો અધિકાર ધરાવતા હોય તેવી તમામ ચૂંટણીમાં તેઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહીને જીવંત રાખવાની સાથે તેને આગળ વધારવામાં પણ એક મતદાર તરીકેની ભૂમિકા નિભાવી છે.

1947પછી મત આપનાર અનોખા મતદાર
નિર્મલાબેન ગાંધી જ્યારે મત આપવાનો અધિકાર ધરાવતા હતા ત્યારે તેઓ રાજસ્થાનના ચિત્તોડગઢ માં રહેતા હતા ભારતને આઝાદી મળ્યા બાદ 1952માં થયેલી પહેલી ચૂંટણીમાં તેમણે પોતાના મતનો અધિકાર ઉપયોગ કરીને લોકશાહીનું આ મહાપર્વ સ્વતંત્ર ભારતમાં પ્રથમ વખત ઉજવ્યું હતું.

ત્યારથી લઈને અત્યાર સુધીમાં તેમના 101 વર્ષના આયુષ્યની સફર દરમિયાન આવેલી નાની મોટી તમામ ચૂંટણીઓમાં નિર્મલાબેન ગાંધીએ મત આપીને લોકશાહીમાં એક મતનું મૂલ્ય શું હોઈ શકે અથવા તો મતદારનો એક મત લોકશાહી માટે કેટલો આવશ્યક છે તેનું આદર્શ અને ઉત્તમ દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે. વણિક જીવનશૈલીથી જીવતા નિર્મલાબેન ગાંધી પોતાના મત અધિકારને લઈને આજે પણ સતત જાગૃત જોવા મળે છે.