સુરત : ગાંધીનગરમાં રાજ્યની 224 APMCઓના પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ સેક્રેટરીઓ માટે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને માર્ગદર્શક શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કૃષિ પ્રધાન રાઘવજી પટેલ, સહકાર પ્રધાન જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં રાજ્યની ત્રણ APMCઓને વિશિષ્ટ કામગીરી બદલ મુખ્યપ્રધાના હસ્તે એવોર્ડ આપીને સન્માનીત કરવામાં આવ્યા હતા. જેમાં માંગરોળ તાલુકાની કોસંબા APMCના ચેરમેન દિલીપસિંહ રાઠોડને શ્રેષ્ઠ વહિવટી કામગીરી બદલ મુખ્યપ્રધાના હસ્તે એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
કોસંબા APMCની ખાસિયત : માંગરોળ ધારાસભ્ય ગણપત વસાવાના પ્રયાસથી કોસંબા APMCના બોર્ડ ઓફ ડિરેક્ટર દ્વારા હાટ બજારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખેડૂતો તેમજ ગ્રાહકોને સીધો લાભ થઇ બજાર સમિતિને વાર્ષિક 55 લાખ રૂપિયાની આવકનાં સ્ત્રોત ઉભા થયા હતા. બજાર સમિતિ CCTVથી સજ્જ હોવાથી તોલમાપમાં ખેડૂતો તેમજ ગ્રાહકોને છેતરપિંડીનો ભય રહેતો નથી. સમારોહમાં મુખ્યપ્રધાને કોસંબા APMCમાં ચાલતા હાટ બજારની પ્રશંસા કરી અન્ય APMCઓને પણ અનુસરવા સૂચન કરવામાં આવ્યું હતું.
કોસંબા APMC દ્વારા સતત ખેડૂત સંમેલનો, સહકારી મંડળીનાં સંમેલનો વિવિધ મુદ્દાઓ પર અવારનવાર ખેડૂતો સાથે સીધો સંવાદ કરી સહકારી મંડળીઓ વધુમાં વધુ મજબુત થાય તે દિશામાં પ્રયત્ન કરવામાં આવે છે. - દિલીપસિંહ રાઠોડ (ચેરમેન)
APMCને વધુ પ્રગતિના પંથે : માંગરોળ તાલુકાની કોસંબા APMCને વિશિષ્ટ કામગીરી બદલ એવોર્ડ આપવામાં આવ્યો છે. જે વાત વાયુવેગે પ્રસરી જતાં કોસંબા APMC સાથે જોડાયેલા ખેડૂતો તેમજ સહકારી નેતાઓમાં હર્ષની લાગણી જોવા મળી હતી. સવારથી સૌ આગેવાનો APMC પર પહોંચ્યા હતા. APMCના પ્રમુખ દિલીપસિંહ રાઠોડને અભિનંદન આપ્યા હતા. તેઓ દ્વારા APMCમાં કરવામાં આવતી કામગીરી બિરદાવી હતી. આગામી દિવસોમાં કોસંબા APMCને વધુ પ્રગતિના પંથે લઇ જાય તેવી શુભકામનાઓ પાઠવી હતી.