સુરત: ખટોદરા પોલીસે એવા ચોરને ઝડપી પાડ્યા છે કે જે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ચોરી કરે છે. ત્યારબાદ લક્ઝરી કાર બુક કરાવીને મુંબઈ અમદાવાદ જેવા શહેરોમાં જઈ વૈભવી હોટલમાં રોકાણ કરી વૈભવી શોખ પુરા કરે છે. અત્યાર સુધીમાં પાંચ ચોરીના ગુનાને અંજામ આપી ચૂક્યો છે જેમાંથી બે સુરતના ખટોદરા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં થયેલી ચોરીની ઘટના સામેલ છે.
વૈભવી શોખ: ઉન પાટિયા ખાતે રહેતા 31 વર્ષીય મો.હસામુદીન ઉર્ફે બબ્બુ મો.ઈદરીશ ટેલરની ખટોદરા પોલીસ ધરપકડ કરી છે. પોલીસે તેની પાસેથી 1200 રૂપિયાની કિંમતના ચાંદીના 3 સિક્કા, 30 હજારની રોકડ તથા ઘરફોડ ચોરી કરવા માટે ઉપયોગમાં લેતો લોખંડનો હથોડો, એક પેચિયું, તથા લોખંડનું ગણેશીયુ કબજે કર્યું છે. ખટોદરા પોલીસે આરોપીની કડક પૂછપરછ કરી ત્યારે તેને જણાવ્યું હતું કે તે હાલ બેરોજગાર છે. તે ચોરી કરેલા રોકડા રૂપિયાથી પોતાના વૈભવી શોખ પુરા કરતો હતો.
લકઝરીયસ કાર ભાડે કરી: આરોપીએ જે ખુલાસો કર્યો તેને સાંભળીને પોલીસ પણ આશ્ચર્યમાં મુકાઈ ગઈ હતી. આરોપી અગાઉ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં રેકી કરી ત્યાં ચોરીની ઘટનાને અંજામ આપતો હતો. ચોરી કર્યા બાદ તે વૈભવી ગણાતી કાર ભાડે કરી મોટા શહેર જેવા કે મુંબઈ, અમદાવાદ, વડોદરા તેમજ અન્ય જગ્યાએ હોટલ બુક કરી રાત્રી રોકાણ કરતો હતો. એટલું જ નહીં ત્યાં વૈભવી શોખ પુરા કરતો હતો. આ વૈભવી શોખ પુરા કરવા તે ચોરીના રવાડે ચડી ગયો હતો.
ઊંડાણ પૂર્વક તપાસ: પોલીસની તપાસમાં ખટોદરા પોલીસ મથકમાં નોંધાયેલા બે ગુનાના ભેદ ઉકેલાઈ જવા પામ્યા હતા. તેમજ આરોપી રીઢો ઘરફોડ ચોર છે. તેની સામે ભૂતકાળમાં ઘરફોડ ચોરીના પાંડેસરામાં 2 તથા સચિન જીઆઈડીસી પોલીસ મથકમાં 3 ગુના મળી કુલ 5 ગુના નોંધાયેલા હોવાનું બહાર આવ્યું હતું. હાલ ખટોદરા પોલીસે આરોપીની ધરપકડ કરી આ સમગ્ર મામલે ઊંડાણ પૂર્વક તપાસ હાથ ધરી છે.
ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આરોપી ચોરી કરતો હતો તે મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી છે અને હાલ વિસ્તારમાં રહે છે. પૂછપરછ માં તેણે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં તેને પાંચ ચોરીની ઘટનાને અંજામ આપ્યા છે . જેમાંથી બે કટોદરા પોલીસ મથકમાં નોંધાઈ છે. આરોપી ચોરી કરી કાર ભાડે લઈ અન્ય શહેરોમાં જઈ વૈભવી હોટલમાં રોકાણ કરતો હતો--એસીપી ઝેડ. આર દેસાઈ