સુરતઃ દિલ્હી ખાતે સ્વચ્છતા સર્વેક્ષણ 2023 માટે દેશભરના શહેરોના રેન્ક જાહેર કરાયો છે. આ વર્ષે દેશના સ્વચ્છ શહેરોમાં નંબર વન માટે સુરત અને ઇન્ડોર વચ્ચે સીધી ટકકર હતી. સતત ત્રણ વર્ષથી દેશમાં સ્વચ્છતામાં બીજા નંબરે આવતું સુરત શહેર ગયા વર્ષે નજીવા અંતરથી જ નંબર વનનો ખિતાબ મેળવતા રહી ગયું હતું. ગયા વર્ષે ગાર્બેજ ફ્રી સિટીમાં 5 સ્ટાર સર્ટીફિકેટ મળતા માર્કસ કપાયા હતા. પરંતુ હવે આ વર્ષે સુરતે ગાર્બેજ ફ્રી સેવન સ્ટાર સર્ટીફિકેટ મેળવી લીધું છે. જ્યારે સતત ત્રીજા વર્ષે સુરત શહેરને વોટર પ્લસ શહેર જાહેર કરાયું છે. જેના કારણે હવે ઇન્દોર અને સુરત વચ્ચે સીધી ટકકર હતી.
સ્વચ્છ સુરતઃ સુરત વિશ્વનું એકમાત્ર એવું શહેર છે કે જે ડ્રેનેજ વોટરને ટ્રીટમેન્ટ કરી 140 કરોડ રૂપિયા જેટલી કમાણી થાય છે.. ખરાબ પાણીની ટ્રીટમેન્ટ કરી ઉદ્યોગો ને આપવામાં આવે છે શહેરના લોકોને તાપી નદીનું શુદ્ધ પાણી પીવા માટે મળે આ માટેની વ્યવસ્થા છે.તમામ લોકોના ઘરમાં સ્વચ્છ અને ગુણવત્તા વાળું પાણી મળે છે..સુરતમાં 11 સૂએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને 3 ટ્રેસરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ કાર્યરત છે.ડ્રેનેજ પાણીને ટ્રીટ કરી પાલિકાને વર્ષે રૂ 200કરોડની આવક છે. ગુજરાતનું એકમાત્ર સુરતને વોટર પ્લસ સર્ટિફિકેટ મળ્યું છે.
સુરત મનપા ખાતે ઉજવણીનો માહોલ: ડાયમંડ સિટી અને ટેક્સ્ટાઈલ સિટી ગણાતા સુરત શહેરે સમગ્ર દેશમાં ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. સતત વિકાસની તરફ હરણફાળ ભરી રહેલા સુરતને સ્વચ્છતાના ક્રમે પ્રથમ ક્રમાંક મળ્યો છે. આ વખતે સ્વચ્છતાના ક્રમે સુરત અને ઈન્દૌરને સંયુક્ત રીતે પ્રથમ ક્રમાંક આપવામાં આવ્યો છે. જેના પગલે સુરત મહાનગરપાલિકામાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરત શહેરનો પ્રથમ ક્રમાંક આવતા પાલિકા કમિશનર અને મેયરેને એવૉર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. તો સ્વચ્છતા કર્મીઓને પાલિકાના પદાધિકારીઓએ અભિનંદન પાઠવ્યા હતાં.
સી.આર.પાટીલે આપ્યાં અભિનંદનઃ સુરત શહેરનો સ્વચ્છતા સર્વેક્ષણમાં પ્રથમ ક્રમાંક આવતા સાંસદ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે પણ ખુશી વ્યક્ત કરી હતી અને અન્ય શહેરોના લોકોને પણ સ્વચ્છતાની બાબતમાં વધુ સજાગ અને કામગીરી કરવાનો અનુરોધ વ્યક્ત કર્યો હતો. સી.આર.પાટીલે સુરત મહાનગર પાલિકાના કર્મચારીઓ, અધિકારીઓ સહિત સુરત શહેરની સમગ્ર જનતાને અભિનંદન પણ પાઠવ્યા હતાં.
સ્વચ્છતા સર્વેક્ષણમાં મળેલા ગુણઃ સ્વચ્છ સર્વેક્ષણ-2023 અંતર્ગત સુરત શહેરને સમગ્ર દેશમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત થયેલ છે. સર્વેક્ષણ અંતર્ગત સુરત શહેરને કુલ 9500 ગુણમાંથી 9348.2 ગુણ પ્રાપ્ત થયેલ છે. જેમાં સર્વિસ લેવલ પ્રોગ્રેસ કેટેગરીમાં સુરત શહેરને કુલ 4830 ગુણ માંથી 4703.2 ગુણ પ્રાપ્ત થયેલ છે. સર્ટીફીકેશન કેટેગરીમાં ગાર્બેજ ફ્રી સીટી 7-સ્ટાર રેટીંગના 1375 ગુણ અને ODF+/Water+ ના 1125 ગુણ આમ સર્ટીફીકેશન કેટેગરીમાં કુલ 2500 ગુણ માંથી 2500 ગુણ પ્રાપ્ત થયેલ છે. સીટીઝન વોઇસ કેટેગરીમાં નાગરીકોના પ્રતિભાવો, સ્વચ્છતા એપ, પ્રત્યક્ષ સ્થળ નિરીક્ષણ, ઇનોવેશન અને સીટીઝન એન્ગેજમેન્ટ હેઠળ કુલ 2170 ગુણ માંથી 2144.9 ગુણ પ્રાપ્ત થયેલ છે.
સ્વચ્છ સર્વેક્ષણ-૨૦૨૩: સ્વચ્છ સર્વેક્ષણ-૨૦૨૩ અંતર્ગત ગાર્બેજ ફ્રી સ્ટાર રેટિંગની માર્ગદર્શિકા મુજબ કચરાનું વર્ગીકરણ, કુલ ઉત્પન્ન કચરાના પ્રોસેસિંગ માટેની ક્ષમતા, ભીના કચરાનું પ્રોસેસિંગ, સુકા કચરાનું પ્રોસેસિંગ, સી એન્ડ ડી વેસ્ટનું પ્રોસેસિંગ/રીસાયકલીંગ/રિયુઝ, સીટી બ્યુટીફીકેશન, ફોરલેન રોડ ઉપર સ્વીપર મશીન દ્વારા સફાઇ, જાહેર રસ્તા ઉપર ગ્રીનબેલ્ટ અને કચરાના પ્રોસેસિંગ બાદ પ્રોસેસ રીજેક્ટ કચરાને લેન્ડફીલ ખાતે ડમ્પિંગ વિગેરે પેરામીટર અંતર્ગત ગાર્બેજ ફ્રી સ્ટાર રેટિંગના સર્વેમાં સુરત શહેરને 7-સ્ટાર જાહેર કરવામાં આવેલ છે. તેમજ Water+ સર્ટીફીકેટ માટે ડ્રેનેજ નેટવર્ક, ડ્રેનેજ કનેક્શન, વેસ્ટ વોટરનો પુનઃ વપરાશ, શહેરના વેસ્ટ વોટરનું STP/TTP પ્લાન્ટ માં વેસ્ટ વોટરનું પ્રોસેસિંગ જેવા માપદંડના આધારે સર્વે હાથ ધરવામાં આવેલ છે. જેમાં સુરત શહેરને સતત ત્રીજા વર્ષે Water+ જાહેર કરેલ છે. સુરત શહેર દ્વારા 5 સ્ટાર થી 7 સ્ટાર માટે સીટી બ્યુટીફીકેશન, ડસ્ટ ફ્રી રોડ માટે ફોરલેન રોડ ઉપર સ્વીપર મશીન દ્વારા સફાઇ, કચરાનું પ્રોસેસિંગ, ઝીરો એન્ક્રોચમેન્ટ જેવા પેરામીટર પર ધ્યાન કેન્દ્રિત કરી સુરત શહેર દ્વારા 7 સ્ટાર રેટિંગ મેળવેલ છે.