ચોક બજાર વિસ્તારમાં આવેલા ડભોલી સ્થિત ચાર રસ્તા ખાતેની અન્ડર ગ્રાઉન્ડ ડ્રેનેજ લાઈનમાં બે જેટલા શ્રમિકો ફસાયા હોવાની જાણ સુરત ફાયર વિભાગ અને 108ની ટિમને થઈ હતી. ઘટના અંગેની જાણ થતાં ફાયર ચીફ ઓફિસર સહિતનો મોટો કાફલો તેમજ 108ની ટિમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. સુરત ફાયર વિભાગના જવાનો ઓક્સિજન સ્પોર્ટ માસ્ક પહેરી આશરે પંદરથી વિસ ફૂટ ઊંડી ડ્રેનેજ લાઈનમાં ઉતર્યા હતા. જ્યાં બેભાન અવસ્થામાં પડેલા બંને મજૂરોનું રેસ્ક્યુ કરી 108ની ટિમ દ્વારા તાત્કાલિક સારવાર અર્થે સુરતની સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જો કે સારવાર મળે તે પહેલા જ બંને શ્રમિકોએ ગુંગળામણના કારણે દમ તોડી દીધો હતો. જે ઘટનાની જાણકારી મળતા ચોક બજાર પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસ શરૂ કરી હતી. જે ઘટનાના પગલે સ્થળ પર લોકોના ટોળેટોળા ઘસી આવ્યા હતા. બંને શ્રમિકોના મોતને લઈ પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.
બંને મૃત શ્રમિકોના સાથીમિત્ર બચુભાઈએ જણાવ્યું કે, તેઓ બીજી તરફથી સળિયા મારી રહ્યા હતા. જ્યારે બંને લોકો ઊંડી કુંડીમાં ઉતર્યા હતા અને ગેસ થવાથી બંનેના શ્વાસ રૂંધાતા બેભાન થઈ ગઈ હતા. જ્યાં તાત્કાલિક 108ને જાણ કરી હતી. જો કે બંનેના મોત થઇ ચૂક્યા હતા. બંને શ્રમિકોને મોતના સમાચાર સાંભળી પરિવાર સુરત સ્મીમેર હોસ્પિટલ દોડી આવ્યો હતો. જ્યાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. બીજી તરફ બનાવ બનતા પાલિકા અને પોલીસ પણ ડભોલી સ્થિત ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, નજીકમાં જ કેશવ પાર્ક ફાર્મની લગ્ન વાડી આવેલી છે. જે વાડી ભાજપના જ એક માજી કોર્પોરેટરની હોવાનું જાણવા મળે છે. વાડીની ગટર લાઈન ચોક-અપ થતા સંચાલક દ્વારા ચાર જેટલા શ્રમિકોને ગટર સાફ કરવા બોલાવ્યા હતા. જ્યાં આ ઘટના બની હતી જે ફાર્મ હાઉસની વાડી છે તે વાડી ભાજપના જ એક માજી કોર્પોરેટરની હોવાનું જાણવા મળે છે.
મહત્વની વાત તો એ છે કે, શ્રમિકોને કોઈ પણ સેફટી વગર જ ડ્રેનેજની ઊંડી કુંડીમાં ગટર લાઈન સાફ કરવા માટે ઉતાર્યા હતા. ગેસ થવાથી બંને લોકોનો શ્વાસ રૂંધાયો હતો અને કુંડીમાં જ બંનેએ દમ તોડી દીધો હતો. જો કે હવે ચોક બજાર પોલીસે આ મામલે કેટલી તઠસ્થ તપાસ કરે છે તે જોવાનું રહેશે.