સુરત : ચોમાસાના આગમન સાથે શહેરમાં વધી રહેલા રોગચાળાએ પાલિકાના આરોગ્ય વિભાગની આરોગ્યલક્ષી કામગીરીની પોલ ખોલી નાંખી છે. દિનપ્રતિદિન વધી રહેલા રોગચાળાના કેસ જોતા સિવિલ હોસ્પિટલ પ્રશાસ એક્શન મોડમાં આવી ગઈ છે. હોસ્પિટલના કિડની બિલ્ડિંગના મેડિસિન વિભાગમાં 60 થી વધુ બેડ મૂકવાની તૈયારી શરૂ કરી છે. જ્યારે રોગચાળાના દર્દીઓની વધતી સંખ્યા જોતા કિડની બિલ્ડિંગમાં વધારાની ત્રણ કેસ બારી શરૂ કરવામાં આવી છે.
દર્દીઓ વધ્યા : આ બાબતે નવી સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડો.ગણેશ ગોવેકરે માહિતી આપી હતી. તેઓએ જણાવ્યું હતું કે, હાલ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે. તેને કારણે શહેરમાં રોગચાળાનું પ્રમાણ પણ વધી રહ્યું છે. જેમાં આપણી નવી સિવિલ હોસ્પિટલમાં સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના અન્ય કેટલાક વિસ્તારમાંથી દર્દીઓ સારવાર માટે આવે છે. જેથી હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં પણ વધારો થયો છે. કુલ 15 ટકા જેટલા દર્દીઓમાં વધારો થયો છે.
અમારી પાસે કિડની બિલ્ડિંગના મેડિસિન વોર્ડમાં 300 બેડ છે. પરંતુ હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા આ બેડ પણ અમને ઓછા પડી રહ્યા છે. તેને ધ્યાનમાં રાખીને દરેક વોર્ડમાં 8 થી 9 બેડ વધારવામાં આવી રહ્યા છે. જેથી 60-70 બેડનો વધારો થશે. જેથી એક્સ્ટ્રા પેશન્ટનો સમાવેશ કરી શકાશે.-- ડો.ગણેશ ગોવેકર (સુપરિન્ટેન્ડન્ટ, નવી સિવિલ હોસ્પિટલ)
સ્ટાફની ઘટ : તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, અમારી પાસે સ્ટાફની પણ ઘટ જોવા મળી રહી છે. તેમાં જ અમારે તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. દર્દીઓની સંખ્યાને જોઈને અમે કેસ બારીની સંખ્યામાં પણ વધારો કર્યો છે. આ ઉપરાંત સર્વર સ્લો થઈ જવાને કારણે દર્દીઓને હાલાકી પડી રહી છે. તેમાં વરસાદને કારણે સમસ્યા આવતી હોય તેવું કહી શકાય છે. પરંતુ કોમ્પ્યુટરના તમામ સર્વર પરફેક્ટ ચાલી રહી છે.
એક માસમાં 19 મોત : ઉલ્લેખનીય છે કે, છેલ્લા એક મહિનામાં સિઝનમાં રોગચાળાની લપેટમાં સપડાયેલા 19 જેટલા લોકો મૃત્યુ પામ્યા છે. છેલ્લા બે મહિનામાં ડેન્ગ્યુના 43, ટાઈફોડના 373, તાવના 509, ગેસ્ટ્રોના 326, મેલેરિયાના 199, કમળાના 17, અને કોલેરાના 25 કેસ નોંધાઈ ચુક્યા છે.