ઓરિસ્સાના કટકમાં રમાઈ રહેલી 21 કોમન વેલ્થ ચેમ્પિયનશીપમાં ફરી એક વાર સુરતના હરમિત દેસાઈએ ટેબલ ટેનિસ ક્ષેત્રે દુનિયાભરમાં ગુજરાતનું નામ રોશન કર્યુ છે. હરમીત દેસાઇએ સિંગલ મેનની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો છે. મેન્સ સિંગલ્સની ફાઈનલમાં હરમિત દેસાઈએ જી સાથિયાનને 4-3થી હરાવ્યો હતો.
હરમિતે પોતાની જીત વિશે વાત કરતાં જણાવ્યું હતું કે, " મારું નાનપણનું સપનું હતું કે, આ ટુર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ મેળવું અને આજે તે સપનું સાકાર થયું છે. આખી ટુર્નામેન્ટ સારી રહી અને દરેક ગેમમાં પ્રદર્શન પણ સારા રહ્યાં તેનો આનંદ છે. શરૂઆતમાં થોડો ડર હતો. પણ જેમ-જેમ ગેમ રમતો ગયો તેમ મારામાં આત્મવિશ્વાસ વધતો ગયો." આ ચેમ્પ્યિશીપમાં હરમિત દેસાઇ સિંગલ મેન તરીકે ટેબલ ટેનિસ રમી રહ્યો હતો. એક પછી એક મેચની જીત મેળવ્યા બાદ જી સાથિયાન અને હરમિત દેસાઇ વચ્ચે ફાઇનલ મેચ રમાઇ હતી.
ઉલ્લેખનીય છે કે, હરમિતની સામે રમી રહેલો જી સાથિયાન ટેબલ ટેનિસમાં વર્લ્ડમાં 24 મો સ્થાન ધરાવે છે. સાથિયાન સામે મેચ જીતવી એ હરમિત માટે ખૂબ જ કઠીન હતું. જો કે, હરમિતે હાર માની ન અને જીત પર જ ધ્યાન કેન્દ્રિત કર્યુ હતું. આખરે હરમિતની મહેનત રંગ લાવી અને છેલ્લા રાઉન્ડમાં હરમિતે જીત પોતાને નામ કરી ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.
આમ, ગોલ્ડ મેડાલિસ્ટ હરમિતે સિદ્ધિ મેળવીને દેશભરમાં સુરત અને ગુજરાતનું ગૌરવ વધાર્યુ છે. અત્યાર સુધી જેટલાં પણ કોમનવેલ્થ ગેમ થયા છે તેમાં ટેબલ ટેનિસમાં અત્યાર સુધી બે ગોલ્ડમેડલ ભારતને મળ્યાં છે. જેમાં એક ગોલ્ડ મેડલ હરમિતે પોતાના નામે કર્યો હોવાથી તેના પરિવારમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે.