સુરત : સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલ યુનિટી એસ્ટેટના કાપડાંના ખાતામાં આજે સવારે આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. જોકે ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગની 14થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી આગ ઉપર પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. જોકે આ આગમાં કોઈ પ્રકારની જાનહાનિ થઈ ન હતી.
ફાયર વિભાગ 14 જેટલી ગાડીઓ દોડાવાઇ : સુરત શહેરમાં આગની ઘટનાઓ યથાવત જોવા મળી રહી છે. ત્યારે આજરોજ ફરી પાછી શહેરના ભેસ્તાન વિસ્તારમાં આવેલ યુનિટી એસ્ટેટના કાપડના ખાતાના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આજે સવારે અચાનક કોઈ કારણોસર આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. જોકે કાપડનો મોટા પ્રમાણમાં જથ્થો હોવાથી આગ ઝડપથી ફેલાવા લાગી હતી અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.
ત્રણ કલાકની જહેમત બાદ આગ ઉપર કાબૂ : આગ અંગે ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગની 14 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી આગ ઉપર પાણીનો મારો ચલાવ્યો હતો. ત્રણ કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવવામાં આવ્યો હતો. સદનસીબે આ આગમાં કોઈ પ્રકારની જાનહાનિ થઈ ન હતી. જોકે આ આગની ઘટનામાં લાખોને નુકસાન થયું હોય તેવું કહી શકાય છે.
આજે સવારે અમને 8:23 વાગે કંટ્રોલ રૂમ દ્વારા કોલ આપવામાં આવ્યો હતો કે ભેસ્તાન વિસ્તારમાં આવેલ યુનિટી એસ્ટેટના કાપડના ખાતામાં આગ લાગી છે. જેથી અમે ત્યાં પહોંચ્યાં હતા. પરંતુ આગ જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જેથી અમે ડીંડોલી, માનદરવાજા, ડુમબાલ, મંજુરા, નવસારી અને અડાજણ એમ કુલ 7 ફાયર વિભાગની 15 જેટલી ગાડીઓ તથા એક ટીટીએલ હાઇડ્રોલીક મશીન એમ બોલાવી હતી. અહીં આગ લાગવાની સાથે જ દોડધામ પણ મચી ગઈ હતી. જોકે અમારા ફાયરના જવાનો દ્વારા આગ ઉપર પાણીનો મારો ચલાવી ત્રણ કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવવામાં આવ્યો હતો. જોકે આ આગમાં કોઈ પ્રકારની જાનહાનિ થઈ ન હતી...દિનેશ પટેલ (ભેસ્તાન ફાયર વિભાગના ફાયર ઓફિસર )
આગ લાગવા પાછળનું કારણ શું : તેમણે વધુમાં જણાવ્યું કે સૌપ્રથમ આગ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર લાગી હતી. ત્યાં કાપડ મૂકવામાં આવેલું હતું. જેને કારણે જોતજોતામાં આગ બીજા ફ્લોર ઉપર પણ પોહચી ગઈ હતી અને ત્યાં પણ મોટા પ્રમાણમાં કાપડનો જથ્થો હોવાથી આગ વધુ વિકરાળ બની હતી. આગને જોવા માટે બહાર લોકોનું ટોળું એકઠું થઇ ગયું હતું. પરંતુ સ્થાનિક પોલીસનો કાફલો આવી જતા તેઓને અહીંથી દૂર કરવામાં આવ્યા હતા. જોકે આગ કયા કારણસર લાગી હતી તે હજુ સુધી જાણી શકાયું નથી.